વડગામ,તા.૧૧  

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના  ઇકબાલગઢમાં આજથી ૩૮ વર્ષ પહેલા એક કોન્સ્ટેબલની હત્યા કરી બેન્કમાંથી સનસનીખેજ લૂંટ કરનાર રાજસ્થાનના ખૂંખાર ડાકુને બનાસકાંઠા જિલ્લા પોલીસને રાજસ્થાનના એક ગામમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. અનેક ગંભીર ગુનાઓને અંજામ આપનારા ખૂંખાર ડાકુને ૩૮ વર્ષ બાદ પોલીસે ઝડપી પાડી તે જિલ્લામાં બનેલા લૂંટ અને ચોરીના ગુનાઓમાં સંજોવાયેલો છેકે કેમ એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાને  ૩૮ વર્ષ પહેલા રાજસ્થાનના એક ડાકુએ ટાર્ગેટ બનાવી હતી. જેમાં સતીદાનસિંહ રાઠોડ નામના ડાકુએ તેના અન્ય ૭  સાગરિતો સાથે મળી આ બેંકમાં લૂંટ ચલાવી હતી. આ સનસનીખેજ લૂંટની વિગતે વાત કરીએ તો ૩૦-૧૨ -૧૯૮૨ના સાંજે ૪ વાગ્યાના સુમારે ઇકબાલગઢમાં આવેલી સ્ટેટ બેન્કની અંદર ૮ બંદૂકધારી ડાકુઓએ બેંકના મેનેજરને બંદૂક મારી રૂપિયા ૧,૩૨,૨૦૦ ની ધોળે દહાડે લૂંટ ચલાવી હતી.

આ લૂંટની ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો બેન્કમાં દોડી આવ્યો હતો. જેમાં શિવદત્તભાઈ શર્મા નામના બાહોશ પોલીસ કોન્સ્ટેબલે આ ખૂંખાર ડાકુને રોકવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા ડાકુએ કોન્સ્ટેબલને  ગોળીથી વીંધી નાખી તેની હત્યા કરી ડાકુઓ ઊંટ ઉપર સવાર થઈ ત્યાંથી રાજસ્થાન તરફ ફરાર થઈ ગયા હતા. જોકે ત્યારબાદ આજ સુધી આ ડાકુ કે તેની ગિરોહનો કોઈ જ પત્તો મળ્યો ન હતો. આ ઘટનામાં શહીદી વ્હોરનાર પોલીસ કોન્સ્ટેબલ શિવદત્ત શર્માની સ્મૃતિમાં ઈકબાલગઢમાં શહીદ કોન્સ્ટેબલનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. બેન્કમાં લૂંટની બનેલી દિલધડક ઘટના સમયે બેન્કમાં નોકરી કરતા પટાવાળાએ આ સમગ્ર ઘટનાને કેમેરા સમક્ષ જણાવી હતી.મોઢા પર બુકાની બાંધીને ડાકુઓ આવ્યા હતા, તે સમયે હું પટાવાળો હતો, બેંકમાં લૂંટ કરતા જાંબાઝ પોલીસ કર્મી શિવદત્ત શર્માં દોડી આવી ડાકુઓને પડકાર ફેંક્યો હતો તો તેની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. જ્યારે બેન્ક મેનેજરને પણ માર મારી બંદૂકની અણીએ લૂંટ કરી ડાકુઓ ફરાર થઈ ગયા હતા. જો કે તે સમયે પોલીસે લૂંટને અંજામ આપનાર આઠ ડાકુઓમાંથી રાજસ્થાનના બાડમેરના કેશુવા ગામના  રાવતાભાઈ મેલાજી રબારી અને સૈયલા ગામના માલસિંહ ભીમસિંહ ખીચી ( રાજપૂત) નામના ૨ આરોપીઓને ઝડપી પડ્યા હતા. જ્યારે ૬ ડાકુઓ ફરાર હતા. દરમિયાનમાં સમય જતાં ૫ ડાકુઓના મોત નિપજ્યા હતા. પરંતુ બેન્ક લૂંટનાર મુખ્ય ડાકુ સતીદાનસિંહ ઉર્ફે સમો દીપસિંહ જબસિંહ રાજપૂત બાડમેર જિલ્લાના  ગરડા તાલુકાના બીજાવલ ગામે હોવાની બનાસકાંઠા જિલ્લા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ સહિત એસઓજી ,એલસીબી અને પેરોલ ફર્લો ટીમોએ ગામની આસપાસ વોચ ગોઠવી હતી. જેમાં ખૂંખાર ડાકુ સતીદાન રાજપૂત બીજાવલ ગામમાં સંતાયો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ટીમોએ ગામમાં ઘેરો નાંખીને ખૂંખાર ડાકુ સતીદાન રાજપૂતને ઝડપી પાડયો હતો. શનિવારે તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં લાવવામાં આવ્યો હતો.૩૮ વર્ષ પહેલા લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી નાસતા ફરતા ખૂંખાર ડાકુને ઝડપી પાડવામાં બનાસકાંઠા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસના હાથે ઝડપાયેલા ખૂંખાર ડાકુએ તેની ગિરોહના અન્ય સાથીદારો સાથે જિલ્લામાં અન્ય ગુનાઓમાં સામેલ છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે.