વડોદરા -

આંતરિક કરારોના વારંવાર બેન્ક મેનેજમેન્ટ દ્વારા કરાતા ભંગને લઈને શહેરની રાષ્ટ્રીયકૃત બેન્ક પૈકીની એક એવી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ સોમવારે પાંચમી ઓક્ટોબરના રોજ એક દિવસીય હડતાળ પાર જનાર છે. આ હડતાળને ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોશિએશન -એઆઈબીઈએ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. તેમજ જરૂર પડે કર્મચારીઓની વ્યાજબી માગણીઓને લઈને સંઘર્ષમાં સામેલ થવાને માટે તૈયારી દર્શાવી હોવાનું લોકલ બેન્ક એમ્પ્લોઇઝ કો ઓ કમિટીના મહામંત્રી ડી.એલ.વ્યાસ તથા બેન્ક ઓફ ઇન્ડિયા એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા યુનિટના મહામંત્રી રઘુબીર પટેલે જણાવ્યું હતું. બેન્ક ઓફ ઇન્ડિયામાં કામ કરતા એવોર્ડ સ્ટાફ કક્ષાના કર્મચારીઓ માંગણીઓના સંદર્ભમાં પાંચ ઓક્ટોબરે એક દિવસીય હડતાળ પર જનાર છે. જેમાં આ હડતાળમાં બેન્ક ઓફ ઇન્ડિયાના વડોદરા ઝોનના ક્લેરિકલ કક્ષાના તેમજ સબ સ્ટાફ કક્ષાના તમામ કર્મચારીઓ જોડાનાર છે.

આ હડતાળના સંદર્ભમાં તેઓએ જણાવ્યું હતું કે, બેન્ક તરફથી શેર પ્રિમયમ ફંડને સંચિત ખોટ સામે સરભર કરવાના પ્રયાસનો વિરોધ તેમજ કર્મચારીઓની લાંબા સમયથી પડતર માગણીઓ જેવી કે, પૂરતા પ્રમાણમાં સટાફની ભરતી, પેટ્રોલ ખર્ચનું યોગ્ય વળતર, હેલ્થ ચેક અપ સ્કીમમાં સુધારો, ફર્નિચર અને ફિક્ષ્ચરની સુવિધા, કેઝ્‌યુઅલ લેબરને યોગ્ય મહેનતાણું આપવું તથા તેઓના માટે મસ્ટર રોલ શરુ કરવા ઉપરાંત આંતરિક કરારોના બેન્ક તરફથી વારંવાર કરાતા ભંગ સામે યુનિયનને બેન્ક મેનેજમેન્ટના વલણ સામે હડતાળ પર જવા મજબુર થવું પડ્યું હોવાનું જણાવ્યું હતું. કોરોણાની મહામારીને લઈને કોઈપણ પ્રકારના દેખાવો કે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. પરંતુ બેન્ક ઓફ બરોડાના તમામ એવોર્ડ સ્ટાફના કર્મચારીઓ હડતાળમાં જોડાશે એમ અગ્રણીઓ ડી.એલ.વ્યાસ અને રઘુબીર પટેલે ઉમેર્યું હતું.