બારડોલી -

સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર બાલકૃષ્ણ ઉર્ફે ભાણાભાઈ પાટીલનું આજરોજ વહેલી સવારે કોરોનાથી મોત નીપજયું હતું. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સુરતની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા પાંચ છ દિવસથી સારવાર હેઠળ હતા. કોરોનાથી તેમનું મોત નિપજતા બારડોલી નગર ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

બારડોલી નગરમાં વોર્ડ નંબર-1 ની ચુટણી વિજેતા થયેલ ભાજપના કોર્પોરેટર આયુષ પટેલ વિદેશમાં સ્થાયી થતાં વોર્ડ નંબર-1 માં પાલિકાની ખાલી પડેલ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ ઉર્ફે ભાણાભાઈ પાટીલ વિજેતા બન્યા હતા. તેઓ વામદોત હાઈસ્કૂલમાં સભ્ય હોય સાથો સાથ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન હતા. તેઓ અનેક શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા હતા. તેઓની તબિયત બગડતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમને કોરોનાના લક્ષણો દેખાતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સુરતની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા પાંચ છ દિવસથી સારવાર હેઠળ હતા. જોકે આજરોજ સવારના 7 કલાકે તેમનું કોરોનાથી મોત નીપજયું હતું. આ સમાચાર મળતા જ બારડોલી નગર ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે.