રાજકોટ-

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પુનઃ પધરામણી બાદ આજે રાજકોટ સિંચાઇ યોજના વર્તુળ હસ્તકના ૨૫ ડેમમાંથી ૧૩ ડેમ ઓવરફલો થયા. રાજકોટ અને ભાવનગર સિંચાઇ યોજનાના હસ્તકના૧૨૫ જેટલા ડેમ પૈકી અત્યારે ૩૨ ડેમ હાઈએલર્ટ સ્થિતિમાં છે. જ્યારે ૩૦ જળાશયો ૮૦ ટકાથી વધુ ભરાયા હોવાથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તો સાથે જ નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા તંત્રે અપીલ કરી તો આવો જાણીએ સૌરાષ્ટ્રના કયા ડેમોની કેટલી સ્થિતિ છે.

રાજકોટના ૨૫માંથી ૧૩ ડેમો ઓવરફ્લો થયા હોવાની માહિતી મળી રહી છે. રાજકોટના ૧૩ ડેમોમાં ૧૦૦ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે, જ્યારે ૭ ડેમમાં ૯૦ ટકા જેટલો પાણીનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં મોજ ડેમના ૭ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડતા મોજ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મોજ નદીના કાંઠાના ૧૨થી ૧૫ ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે. નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટમાં આજીડેમ ૧, મોજ ડેમ, ફોફળ ડેમ, સોડવદર ડેમ, સુરવો ડેમ, વાછપરી ડેમ, વેરી ડેમ, મોતીસર ડેમ, ફાડદંગબેટી ડેમ, ખોડાપીપર ડેમ, લાલપરી, છાપરવાડી ૧, છાપરવાડી ૨માં ભારેથી અતિભારે વરસાદથી ૧૦૦ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે.