વડોદરા : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને પગલે મોકૂફ રાખવામાં આવેલી સહકારી ક્ષેત્રની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી ધ બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણી આગામી તા.૧૦મી ડિસેમ્બરે અને બરોડા ડેરીની ચૂંટણી આગામી તા.૨૮મી ડિસેમ્બરે યોજાશે. કરજણ વિધાનસભાની પેટાચૂંટણીને પગલે બંને ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ધ બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના પાંચ સભ્યો બિનહરીફ જાહેર થયા છે. ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જિલ્લા સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવી ગયો છે. 

ધ બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણી ગત તા.૨૭મી ઓક્ટોબર અને બરોડા ડેરીની ચૂંટણી તા.૫ નવેમ્બરે યોજાનાર હતી, પરંતુ કરજણ સહિત રાજ્યની ૮ વિધાનસભાની પેટાચૂંટણીને પગલે સહકારી ક્ષેત્રની આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. હવે ચૂટણી અધિકારી દ્વારા બંને ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ હવે તા.૧૦મી ડિસેમ્બરે ધ બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણી અને તા.૨૮મી ડિસેમ્બરે બરોડા ડેરીની ચૂંટણી યોજાશે. ધ બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ભાજપ પ્રરિત પેનલ દ્વારા ઉમેદવારીપત્રો ભરી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે તા.૨૦મી નવેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી અને તા.૨૪-૧૧ થી તા.૨૭-૧૧ સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. તા.૧૦મી ડિસેમ્બરે વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંધ લિ. રૂપમ ટોકીઝ પાસે સવારે ૯ થી બપોરે ૩ સુધી મતદાન થશે અને તા.૧૧મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધ બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણીમાં બેંકના વર્તમાન સભ્ય જી.બી.સોલંકી સહિત ૫ સભ્યો બિનહરીફ જાહેર થયા છે. ત્યારે બાકી રહેલા સભ્યોની ચૂંટણી આગામી ૧૦મી ડિસેમ્બરે યોજાશે.

જ્યારે વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંધ લિ. બરોડા ડેરીની ચૂંટણી તા.૨૮મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવી છે. બરોડા ડેરીની ચૂંટણી જાહેર થતાં જ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બરોડા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત તા.૧-૧૨-૨૦૨૦થી તા.૨-૧૨-૨૦૨૦ દરમિયાન ભરાશે. ૧૮ ડિસેમ્બરે ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે અને ૨૮મી ડિસેમ્બરે બરોડા ડેરી ખાતે મતદાન અને તા.૨૯મી ડિસેમ્બરે બરોડા ડેરી ખાતે જ મતગણતરી હાથ ધરાશે. બરોડા ડેરીની ચૂંટણીનું આજે જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ સહકારી આગેવાનો પુનઃ સક્રિય થઈ પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.