વડોદરા

સૈયદ મુસ્તાક અલી ટી-ર૦ ટુર્નામેન્ટની વિશ્વના સૌથી મોટા અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાયેલી દિલધડક ક્વાર્ટર ફાઈનલ મેચમાં બરોડાની ટીમે હરિયાણાને ૮ વિકેટે હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. અંતિમ ઓવરમાં ૧૮ રનની જરૂર હતી. ત્યારે વિષ્ણુ સોલંકીએ સ્ફોટક બેટિંગ કરી છેલ્લા બોલમાં છગ્ગો ફટકારીને બરોડાની ટીમને વિજય અપાવ્યો હતો.

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટી-ર૦ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા હરિયાણાએ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૮ રન બનાવ્યા હતા જેમાં રાણાએ ૪૯ અને શિવમ ચૌહાણે ૩૫ રન બનાવ્યા હતા. બરોડાના કાર્તિકે બે તેમજ બાબાશફી પઠાણ અને અતીત શેઠે ૧-૧ વિકેટ ઝડપી હતી.

૧૪૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા બરોડાની ટીમની શરૂઆત નબળી રહી હતી. પ્રથમ ૩૩ બોલમાં ૩૩ બન બનાવ્યા હતા અને સ્મિત પટેલની વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ કપ્તાન કેદાર દેવધર અને વિષ્ણુ સોલંકીએ બીજી વિકેટ માટે ૬૮ રનની ભાગીદારી કરી હતી. કેદાર દેવધર ૪૦ બોલમાં ૪૩ રન બનાવી આઉટ થયો હતો. જાે કે વિષ્ણુ સોલંકીએ શાનદાર બેટિંગ જારી રાખી હતી. બરોડાની ટીમને છેલ્લી ઓવરમાં જીત માટે ૧૮ રનની તેમજ છેલ્લા ૩ બોલમાં ૧૫ રનની જરૂર હતી ત્યારે સોલંકીએ છેલ્લી ઓવરના ચોથા બોલમાં લોન્ગ અન પર સિકસર અને પાંચમા બોલે પાંચ રનની જરૂર હતી ત્યારે સિકક્સ મારીને દિલધડક બનેલા મુકાબલામાં બરોડાને જીત અપાવી હતી.

આ જીત સાથે બરોડાની ટીમે સેમિફાઈનલ સ્થાન મેળવી લીધું છે. વિષ્ણુ સોલંકીએ ૪૬ બોલમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી ૭૧૨ બન બનાવ્યા હતા. હવે બરોડાની ટીમ ર૯મી જાન્યુઆરીએ સેમિફાઈનલમાં તામિલનાડુ સામે ટકરાશે. દિલધડક ક્વાર્ટર ફાઈનલમાં બરોડાએ ૮ વિકેટે વિજય મેળવ્યો હતો.