વડોદરા

બીસીએની કૂચબિહાર ટ્રોફી ચેમ્પિયન અન્ડર-૧૯ની ટીમે તેમની વિજયની ઉજવણીને આગળ વધારતાં તેમને મળેલી રકમ પૈકીની કેટલીક રકમ પડદા પાછળ રહીને કામ કરતા ગ્રાઉન્ડ મેન્ટેનન્સ સ્ટાફને આપી હતી. 

બરોડાની અન્ડર-૧૯ની ટીમ ફેબ્રુઆરી, ર૦ર૦માં યોજાયેલ કૂચબિહાર ટ્રોફીમાં ચેમ્પિયન બની હતી. કોચ અજિત ભોઈટેના નેતૃત્વ હેઠળ ચેમ્પિયન બનેલી ટીમે આજે બીસીએના સીઈઓ શિશિર હટંગડીની ઉપસ્થિતિમાં એફબી એલેમ્પિક ગ્રાઉન્ડ ખાતે ટીમની ટ્રેનિંગ દરમિયાન પડદા પાછળ રહીને કામગીરી કરનાર અને ટીમની તાલીમમાં મહત્ત્વનો ભાગ ભજવતા ગ્રાઉન્ડ સ્ટાફને તેમને મળેલી ઈનામી રકમ પૈકી કેટલીક રકમ ફાળવી હતી.

આજે એફબી ગ્રાઉન્ડ એલેમ્બિક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ રકમ ટીમે આપી હતી. બીસીએના સીઈઓએ અન્ડર-૧૯ ટીમના કોચ અને પ્લેયરોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, તમે જ્યારે કૂચબિહાર ટ્રોફી જીત્યા ત્યારે ચેમ્પિયન બન્યા હતા. પરંતુ તમે ખરેખર ચેમ્પિયન છો તેનું પ્રતિબિંબ આજે મેદાનની બહાર પણ પ્રદર્શિત કર્યું છે.