વડોદરા : ચક્રવાતી વાવાઝોડું તૌકતેની ચેતવણીના કારણે પશ્ચિમ રેલવે દ્વારા આવતીકાલથી તા.૨૧મી સુધી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે તા.૧૭ અને ૧૮મીએ બે ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાની આગાહીને પગલે મુસાફરો અને ટ્રેન પરિચાલનની સુરક્ષાને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત વિસ્તારોમાં તા.૧૭ અને ૧૮ના રોજ વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે જેને ધ્યાનમાં લઈને આવતીકાલે દાદર-ભૂજ, બાન્દ્રા-મુંબઈ સેન્ટ્રલ-ઓખાપુરી-ઓખા, બરેલી-ભૂજ સહિત ૧૧ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે ૧૭મી સોમવારે દાદર-ભૂજ પૂણે-ભૂજ સહિત રર ટ્રેનોને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત તા.૧૮મી એટલે કે મંગળવારે ૧૩ ટ્રેનો, તા.૧૯ બુધવારે ચાર ટ્રેનો, ગુરુ અને શુક્રવારે એક-એક ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે ૧૭મીના રોજ ઓખા-અર્નાકુલમ અને તા.૧૮મીએ ઓખા-રામેશ્વરમ્‌ એક્સ. ટ્રેનને અમદાવાદ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ, વાવાઝોડાની આગાહીને પગલે રેલવે વિભાગે સુરક્ષાને ધ્યાનમાં લઈને આ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો હતો.