રાજકોટ-

કોરોના વૈશ્વિક બિમારીમાં લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ચૂક્યું છે, હવે તહેવારો ઉપર પણ પ્રતિબંધ મૂકાઈ રહ્યા છે. આગામી સમયમાં ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર આવનાર છે, ત્યારે રાજકોટમાં ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસ કમિશનરે અત્યારથી જાહેરનામું બહાર પાડીને લોકોને ચેતવી દીધા છે.

રાજકોટ પોલીસ દ્વારા મહિના અગાઉ જ ઉતરાયણના તહેવારને લઈને જાહેરનામુ બહાર પાડી દીધું છે. જે મુજબ, પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી રાખવાની ખાસ સૂચના અપાઈ છે. રાજકોટ પોલીસ કમિશનરના કહેવા અનુસાર, સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો દંડાશો. ચાઈનીઝ દોરા, તુક્કલ વેચનાર-ખરીદનાર સામે કાર્યવાહી થશે. 18 ડિસેમ્બરથી તા.16જાન્યુઆરી સુધી આ જાહેરનામું લાગુ પડશે.  ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. લોકોની લાગણી દુભાય એવાં લખાણવાળી પતંગ ઉડાવી શકાશે નહીં. હાથમાં મોટા ઝંડાઓ અને વાંસના બાંબુ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહીં. જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. ચાઇનીઝ દોરાને કારણે શરીર પર તીક્ષ્‍ણ કાપાઓ પડતા હોવાથી એનાં વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ચાઇનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે