આણંદ : બે દિવસ પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીએ દારૂબંધીના કડક કાયદાની અમલવારી વિશે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું, પરંતુ બીજી તરફ ચરોતરના આણંદમાં જે દૃશ્યો ઊભાં થયાં છે એ જાેતાં આ વાતો માત્ર કાગળ પર જ હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. આણંદ રેલવે હદમાં વિદેશી તથા દેશી દારૂના, નશીલા પદાર્થો તથા વરલી મટકાના વેપલા બેરોકટોક ચાલતાં હોવાની અનેક ફરિયાદો જાગ્રૃત નાગરિકોના મોંઢે સાંભળવા મલી રહી છે. એવાં પણ આક્ષેપો થયાં છે કે, સામાન્ય જનતાને આ બધું દેખાઈ રહ્યું છે તો શું તંત્રને આની જાણ નહીં હોય! એવાં પણ આક્ષેપો થઈ રહ્યાં છે કે, ઓથોરિટીના આશીર્વાદ લઈને જ આ બે નંંબરી વેપલાઓ થઈ રહ્યાં છે!

સૂત્રોનું કહેવું છે આમ તો રેલવે હદમાં પ્રવેશ મુદ્દે સામાન્ય નાગરિક માટે કાયદાઓ બનાવવામાં આવ્યાં છે. તો શું આ કાયદાઓ બે નંબરિયાઓને લાગું પડતાં નથી? તેઓને કેમ બધી છુટ મલી રહી છે? તંત્રની બેધારી નીતિ ઉજાગર થતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, રાજ્યમાં દારૂ બંધીનો કડક અમલ વિશે બે દિવસ પૂર્વે જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાર મૂક્યો હતો. આ કાયદો કાગળ પર હોવાની ભ્રાંતિ આણંદ રેલવે હદમાં ઊભી થવા પામી હોય તેમ રેલવે હદના ગોદી વિસ્તારથી લઈ પોલસન ફાટક સુધી વિદેશી તથા દેશીદારૂના વેપલાએ માઝા મૂકી છે. બીજી તરફ વરલી મટકાના ચાલતાં ખેલથી અહીંનું યુવાધન બરબાદીના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે. અહીં નશીલા પદાર્થોનો વેપલો બેરોકટોક ચાલી રહ્યો છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, આની પાછળ તંત્રના કેટલાંક વચેટિયાઓ કારણબૂત છે! સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ, તંત્રના જ એક કર્મચારી દ્વારા સાયંકાળે આવતી ટ્રેનમાં સાઠગાંઠથી વિદેશી દારૂની ડિલીવરી મેળવી ખેપીયાગીરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. નવાઈની વાત એ છે કે રેલવે તંત્ર સેન્ટ્રલના તાબામાં આવતું હોવાથી દારૂની હેરાફેરી આ હદમાંથી કરાતી હોય રાજ્ય દારૂબંધીના કડક કાયદા કાગળ પર રહેવા પામ્યાં છે. બે દિવસ પૂર્વે પોલસન ફાટક નજીકની રેલવે મિલકતને કરવામાં આવેલાં નુકશાન મામલે પણ કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. રેલવેની આ મિલકત અસામિજક તત્ત્વોનો અડ્ડો બની ગયો હોવાથી સ્થાનિકો ખુબ જ ત્રાંસી ગયાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, એક વર્ષથી કોરોના મહામારીને કારણે રેલવે આવાગમન સીમિત બનતાં આવાં સ્થળો પર બે નંબરના વેપલાનો વ્યાપ વધ્યો છે. તંત્ર હાથ પર હાથ ચડાવીને કેમ બેઠું છે એ સમજાતું નથી!?