ઈંગ્લેન્ડના વાઇસ કેપ્ટન બેન સ્ટોક્સએ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરને ખસેડીને આઈસીસીના ટેસ્ટ ઓલરાઉન્ડરોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. સ્ટોક્સ આ સાથે બેટ્સમેનોના રેન્કિંગમાં પણ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, જે તેના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. આ સાથે તે એંડ્રયૂ ફ્લિન્ટોફ બાદ બીજો એવો ઈંગ્લિશ ક્રિકેટર છે જેણે આ રેન્કિંગ હાસિલ કરી છે.

વર્ષ 2006માં ફ્લિન્ટોફ વિશ્વનો નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર બન્યો હતો. માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન સ્ટોક્સ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હોલ્ડરથી 54 રેટિંગ પોઈન્ટ પાછળ હતો, પરંતુ મેચની પ્રથમ ઈનિંગમાં 176 અને બીજી ઈનિંગમાં 78 રન બનાવ્યા બાદ તેણે 38 પોઈન્ટની લીડ બનાવી લીધી છે. સ્ટોક્સે મેચમાં 3 વિકેટ પણ ઝડપી હતી.

 સ્ટોક્સે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્દ રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈંગ્લેન્ડે આ મેચ 113 રનથી જીતીને સિરીઝ 1-1થઈ બરોબર કરી લીધી છે.