અમદાવાદ-

કોરોના વાયરસનું ફેલાતું સંક્રમણ અટકાવવા હવે તંત્ર પણ આંકરાપાણીએ થયું છે. લોકો બીમારી પ્રત્યે સજાગ નથી થતાં તેવામાં તંત્રએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અમદાવાદ કોર્પોરેશન દ્વારા માસ્ક અને જાહેરમાં થુંકવાનો દંડ વધાર્યો છે. નવા નિર્ણય અનુસાર અમદાવાદમાં જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ હવે રુપિયા 200 નહીં પરંતુ 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે જાહેરમાં થુંકવા પર પાનના ગલ્લાવાળાને 10,000નો દંડ કરવામાં આવશે.

અધિક મુખ્ય સચિવ ડો રાજીવ કુમાર ગુપ્તાએ જાહેર કરેલા આદેશ અનુસાર લોકોને માસ્ક પહેરવા અને જાહેરમાં ન થુંકવા અંગે જાગૃતિ લાવવા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. તેમ છતાં જે લોકો આ નિયમોનું પાલન નહીં કરે તેમને મસમોટો દંડ ભરવો પડશે. આ નિયમોનું કડક પાલન કરવા માટે એએમસી અને પોલીસ તંત્ર સઘન ઝુંબેશ ચલાવશે અને જ્યાં નિયમનો ભંગ થશે ત્યાં દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.  

નવા નિયમ અનુસાર માસ્ક ન પહેરનારને 500 રૂપિયા દંડ થશે અને જાહેરમાં પાનના ગલ્લા પાસે ગ્રાહકો જાહેરમાં થુંકતા હશે તો તે પાનના ગલ્લાવાળા પાસેથી 10,000 દંડ વસુલવામાં આવશે. આ નિર્ણય અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની હદમાં તાત્કાલિક અસરથી અમલી બનાવવામાં આવ્યો છે.  

 અમદાવાદમાં હવે માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો 500 રૂપિયા દંડ લાગશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જાહેરમાં થૂંકવા પર અને માસ્ક ન પહેરવા પર દંડની રકમમાં કોરડો ઝીંકી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં આ આદેશનો તાત્કાલિકપણે અમલ કરવાની સૂચના આપવામાં આવી છે.