વડોદરા, તા.૨૪

વડોદરા શહેરના જૂના પાદરા રોડ જીઇબી કોલોની પાસે મુખ્ય રસ્તાની વચ્ચે આવેલા વર્ષોજૂના હનુમાનજીના મંદિરના સ્થળાંતર તાજેતરમાં પશ્ચિમ ઝોનની મળેલી બેઠકમાં વિવાદ સર્જાયો હતો જેમાં મેયર દ્વારા મંદિર હટાવવાનું જણાવવામાં આવતાં ભાજપના એક કોર્પોરેટર અને એક ઇજનેરે મંદિર નહીં હટાવવા સૂચન કર્યુ હતું અને મંદિર બ્રિજને નડતરરૂપ નહીં હોવાનું જણાવ્યું હોવાનું પણ જાણવા મળે છે.

કોર્પોરેશન દ્વારા ગેંડા સર્કલથી લઈ મનીષા ચોકડી સુધી વડોદરાનો સૌથી લાંબો ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે બ્રિજની કામગીરીમાં નડતરરૂપ પાણી ડ્રેનેજના કનેકશનો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ત્યાર બાદ જીઇબી કોલોની પાસે આવેલા ૫૦ વર્ષ જૂના હનુમાનજીના મંદિરને હટાવવાની કામગીરી કરવાનો ર્નિણય થોડા સમય પહેલાં કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે આરટીઆઇ એક્ટિવિસ્ટ અને સ્થાનિક રહીશોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી.

તાજેતરમાં શહેરના આઉટ ગ્રોથ વિસ્તારમાં સુવિધા મળી રહે તે માટે પાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારના અધિકારીઓ અને કોર્પોરેટરોની એક બેઠક મળી હતી, જેમાં મેયર ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક દરમિયાન ફ્લાય ઓવરબ્રિજ નીચે આવેલા હનુમાનજીના મંદિરનું સ્થળાંતર કરવું પડે એવી સ્થિતિ છે. જાે સ્થળાંતર નહીં કરાય તો ટ્રાફિકની સમસ્યા સર્જાશે જેથી તેઓએ અધિકારીને સૂચના આપી હતી.

આ બેઠકમાં હાજર રહેલા ભાજપના જ એક કોર્પોરેટરે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે જૂના પાદરા રોડ સ્થિત આ મંદિર ૫૦ વર્ષ જૂનું છે. વિસ્તારના લોકોની આસ્થા આ મંદિર સાથે જાેડાયેલી છે અને મંદિર ઓવરબ્રિજની નીચેના ભાગમાં આવી જાય છે, જેથી રસ્તાને નડતરરૂપ નથી. આ મંદિરનું સ્થળાંતર નહીં કરવા સ્પષ્ટ જણાવ્યું હતું. એ જ પ્રમાણે એક ઇજનેરે પણ મેયરને વિનંતી કરી હતી કે અન્ય મંદિરના પુજારી તરીકે મારા પરિવાર સેવા આપે છે, જેથી આ મંદિરના સ્થળાંતર માટે હું સહમત નથી તેવી રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.