દિલ્હી-

મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે," ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં આગામી તમામ ચૂંટણીઓ પોતાના બળે લડશે. રાજ્યમાં વિપક્ષના રૂપમાં સામાન્ય લોકોના પ્રશ્નોને, ભાજપ ન્યાય આપી રહ્યો છે. તેથી ભાજપને બહુમતી મળશે અને રાજ્યમાં આગામી સરકાર ભાજપ દ્વારા બનાવવામાં આવશે.'

દેવેન્દ્ર ફડણવીસે સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે, " શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકનો પત્ર, તેમની પાર્ટી અધ્યક્ષ પાસે છે. આ શિવસેનાની આંતરિક બાબત છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે નિર્ણય લેવો પડશે. શિવસેનાના ઘણા ધારાસભ્યોના આ મત હોઈ શકે છે, પરંતુ ભાજપ હવે કોઈ પણ પક્ષ સાથે જોડાણ કરશે નહીં." ફડણવીસે કહ્યું કે, " ભાજપ સામાન્ય લોકોની વચ્ચે રહીને વધુ સારું કામ કરી રહ્યું છે. તેથી જ તેને દરેક સ્તરે જાહેર સમર્થન મળી રહ્યું છે."

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે એમ પણ કહ્યું હતું કે, " પ્રતાપ સરનાઇકે તેમના પત્રમાં તેને જે લાગ્યું તે લખ્યું છે. તેના પક્ષ પ્રમુખે આ અંગે નિર્ણય લેવાનો છે. ભાજપમાં તમામ કામ લોકતાંત્રિક રીતે થાય છે. અહીં નિર્ણય લેવાની સત્તા ટોચના નેતાની હોય છે."

નોંધનીય છે કે, શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ભાજપ સાથેના સંબંધો સુધારવાની માંગ કરી છે. પ્રતાપ સરનાઇકે પોતાના પત્રમાં કહ્યું હતું કે, " કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શિવસેનાને નબળી બનાવી રહી છે. તેથી, જો શિવસેના ભાજપ સાથે જાય છે, તો શિવસેનાને નગરપાલિકાની ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે."