જેતપુર, જેતપુર તાલુકાના કાગવડ ખાતે આસ્થાના કેન્દ્ર સમા ખોડલધામમાં ખાતે કોંગી નેતા ભરતસિંહ સોલંકી પહોંચ્યા હતા. જ્યાં તેમણે માં ખોડલના દર્શન કર્યા વગર જ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક શરૂ કરી હતી. જ્યાં ગીતા પટેલ,મહેશ રાજપૂત સહિતના રાજકોટના કોંગી નેતાઓને બેઠકથી દૂર રખાયા હતા. હાલ કોંગ્રેસ અગ્રણીની ચૂંટણી પૂર્વ તૈયારીમાં આસ્થના કેન્દ્ર પર ભક્તિ વિસરાઈ ગયાની વાતો ત્યાં ઉપસ્થિત પ્રજાજનો કરી રહ્યા છે. રાજ્યમાં આગામી વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાની ગઈકાલે વરણી થયા બાદ જ ભરતસિંહ સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ખોડલ ધામના શરણે આવ્યા હતા. જ્યાં નરેશ પટેલ સાથે મિટિંગ પૂર્ણ થયા બાદ ભરતસિંહ સોલંકીએ ખોડિયાર માતાના દર્શન કર્યા હતા. ગુજરાત વિધાનસભાની સમયાવધી પ્રમાણે આગામી ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી છે ત્યારે, તમામ રાજનીતિક પક્ષો પોતાના ચોગઠા ગોઠવી રહ્યા છે.