વડોદરા-

ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુનાઓ દિવસેને દિવસે વધતા જાય છે, ત્યારે ફરી વડોદરામાં સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદને આધારે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે દિલ્હીની એક ઠગ ટોળકી મોબાઇલ સ્ટોર ડોટ કોમ નામની વેબસાઈટ દ્વારા ઠગાઈ કરે છે, જે સસ્તામાં મોબાઇલ ફોનની ઓનલાઈન ઓફર મુકી અનેક લોકો પાસે રૂપિયા ખંખેરી લીધા હોવાના કિસ્સા બનતાં વડોદરા પોલીસના સાયબર સેલે તપાસ આરંભી હતી.

આ ગુનામાં સંડોવાયેલા કંપનીના બે ડાયરેકટર, એક પ્રોપરાઇટર અને એક મહિલા આરોપીની પોલીસ ધરપકડથી બચવા અદાલતમાં રજૂ કરેલી આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કંપનીએ ૧૯૮ લોકો સાથે ઠગાઇ કરી છે. આ બનાવની જાણ નિઝામપુરા વિસ્તારમાં નિલકમલ સોસાયટીમાં રહેતા એનઆરઆઈ મુકેશભાઇ પટેલે ફરિયાદને આધારે થઇ હતી તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૬મી મેના રોજ ફેસબુક પર જાહેરાત જાેઇ હતી.

જે ઓપન કરતાં તેમાં મોબાઇલ સ્ટોર.કોમ નામની સાઇટ ખૂલી હતી. આ સાઇટમાં એક મોબાઇલની ઓફર મૂકી હતી. જેમાં રૂ.૭ હજારનો મોબાઇલ રૂ.૨૯૯૯માં ખરીદવા જણાવાયું હતું. આ મોબાઇલ તેમને ગિફ્ટમાં આપવો હોવાથી ઓનલાઇન ખરીદ્યો હતો. જેના રૂપિયા તા.૧ જૂને ન્યૂ દિલ્હીના મોરીગેટ ખાતે રહેતા દિવ્યાંશુ મનોજભાઇ જૈનના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. ત્યારબાદ મોબાઇલ ફોન મળ્યો નહીં.