ભૂજ-

ભૂજ તાલુકામાં આવેલા સુખપર ગામમાં રહેતી એક સગીર વયની પુત્રીએ તેના પ્રેમી સાથે મળીને માતાની જ હત્યા કરી નાખી હતી. સગીરાને તેના બાજુના મકાનમાં રહેતા સુનિલ જોશી નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હોવાની જાણ સગીરાની માતાને થતા તે અવાર નવાર સુનિલ જોશીને આ બાબતે ઠપકો આપતી હતી. માતા સુનિલ ઠપકો આપતી હતી તે સગીર પુત્રીને ગમતું ન હતું. જેના કારણે એક દિવસ સગીરાએ માતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તેને ક્રાઈમ પેટ્રોલ સીરીયલનો એપિસોડ જોઈને પ્રેમી સાથે મળીને માતાની હત્યા કઈ રીતે કરવી તેનું કાવતરું રચ્યું હતું. કાવતરાને અંજામ આપવા માટે જે દિવસે ઘરમાં માતા એકલી હતી. તે સમયે સગીરા સુનીલ અને સુનીલના મિત્ર આનંદ સુથારે મહિલાના ઘરમાં ઘૂસીને તેની હત્યા કરી નાખી હતી. સગી દીકરીએ પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને માતાની દાંતરડા, લોખંડના પાઇપ અને છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી.

મહિલાની હત્યા કરાઇ હોવાની જાણ કચ્છ પશ્ચિમ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે હત્યાના ગુનામાં સગીરા અને તેના પ્રેમી સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે સગીરા સામે જુવેનાઈલ જસ્ટીસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી છે અને હત્યાના ગુનાને અંજામ આપનાર બે આરોપીઓની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.