ભુજ-

પાલારા જેલમાંથી વચગાળાના પેરોલ જામીન પર છુટેલા અને ફરાર થઈ ગયેલા ૪ શખ્સોને પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી પાડ્યા હતા. સીઆઈડી ક્રાઈમના પોલીસ મહાનિર્દેશકના આદેશને પગલે વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં પેરોલ ફર્લો, વચગાળાના જમીન, જાપ્તા ફરારી તેમજ જેલ ફરારી કેદીઓ તેમજ આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ આદરવામાં આવી હતી. જેમાં કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી જે.આર મોથલીયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સુચના અને માર્ગદર્શન તળે પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ પેટ્રોલિંગમા હતી. તે દરમિયાન બાતમીના આધારે પાલારા ખાસ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા ભુજની આશાપુરા ટાઉનશિપમાં રહેતા આરોપી રાજેશ બચુભાઈ વાઘેલા અને સુખપર નવાવાસમાં ગોવિંદ ધનજી હિરાણીને ઝડપી પાડવામાં આવ્યા હતા. તો સુખપર કોલીવાસમાં રહેતા કાનજી કાસમ કોલી અને માનકૂવા જુનાવાસમાં રહેતા જયંતી બાબુભાઈ ચાવડાની પણ ધરપકડ કરાઈ હતી. આરોપીઓએ જેલમાંથી પેરોલ રજા મેળવીને પરત હાજર ન થતા પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ જે.પી સોઢા, એએસઆઈ હરીલાલ બારોટ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ, દિનેશ ગઢવી, રઘુવિરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પરમાર, કોન્સ્ટેબલ સુરેશ ચૌધરી સહિતની ટીમે ઝડપી પાડ્યા હતા.