ભુજ-

શહેરભરમાં ચકચાર જગાવનારા ધારાશાસ્ત્રી દેવજી મહેશ્વરીના હત્યાકાંડમાં પૂર્વ કચ્છ પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. ગુનાના ર૪ કલાકમાં જ પોલીસે મુખ્ય સૂત્રધારને દબોચી લીધો છે. હત્યારો બનાવને અંજામ આપી માયાનગરી મુંબઈમાં નાસી છૂટ્યો હોઈ ત્યાંથી આરોપીનો કબજાે મેળવાયો છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે ધારાસભ્યના કાર્યાલય નીચે આરોપી ભરતભાઈ જયંતિલાલ રાવલ નામના શખ્સ દ્વારા છરીના ઘા ઝીંકી ધારાશાસ્ત્રી દેવજી મહેશ્વરીની કરપીણ હત્યા નિપજાવાઈ હતી. બનાવમાં ૯ શખ્સો સામે નામજાેગ ફરિયાદ દાખલ થઈ હતી. દિવસભર શહેરમાં અજંપાભર્યા માહોલ વચ્ચે પોલીસને પણ અલ્ટીમેટમ અપાયું હતું. તે દરમ્યાન રેન્જ આઈજી જે.આર. મોથલિયા અને પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલના સીધા માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસની વિવિધ ટીમો બનાવી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા હતા, જેમાં મુંબઈથી મુખ્ય સૂત્રધાર એવા ભરતને પોલીસે દબોચી લીધો છે. મુંબઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પૂર્વ કચ્છ પોલીસની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેને રાપર ખાતે લાવવા ટીમ રવાના થઈ ગઈ છે. અહીંથી બે ટીમો આરોપીને પકડવા માટે મુંબઈ મોકલવામાં આવી હતી. દરમ્યાન સ્થાનિકેથી ચારથી પાંચ શખ્સો રાઉન્ડઅપ થયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અલબત્ત, બનાવ અંગે રાપર પોલીસ દ્વારા જે સતર્કતા અને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે, જેના કારણે આરોપીની ધરપકડ થવા સાથે આજે દિવસભર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબુમાં રહી હતી.