વડોદરા

બીસીએ દ્વારા કોટંબી ખાતે ૪પ એકર જગ્યામાં રૂા.૮૦ કરોડના ખર્ચે બનાવાઈ રહેલા ૩૦,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા થ્રી ટીયર સ્ટેડિયમની કામગીરીનું બીસીએ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આગામી બે વર્ષમાં સ્ટેડિયમની કામગીરી પૂરી કરવાનું આયોજન છે તેમ બીસીએના સત્તાધીશોએ જણાવ્યું હતું.વડોદરાને ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચિસ મળે તે માટે બીસીએ દ્વારા પાછલા અનેક વરસોથી ચાલતી ચર્ચાઓ વચ્ચે આખરે કોટંબી ખાતે સ્ટેડિયમની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. કોટંબી ખાતે ૪૫ એકર જમીનમાં બીસીએ દ્વારા વિકેટ, ફેન્સિંગ, પાણી સહિતની સુવિધા સાથે ગ્રાઉન્ડ મેચિસ રમવા યોગ્ય તૈયાર કરાયું હતું. ત્યાર બાદ તાજેતરમાં જ સ્ટેડિયમના બાંધકામની કામગીરી બે કોન્ટ્રાકટરોને આપવામાં આવી હતી.

આજે બીસીએના પ્રમુખ પ્રણવ અમીન, પૂર્વ પ્રમુખ ચિરાયુ અમીન, ઉપપ્રમુખ શીતલ મહેતા, સેક્રેટરી અજિત લેલે સહિત બીસીએના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સ્ટેડિયમની કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.