વડોદરા, તા.૪ 

વડોદરાના ત્રણ અને મધ્યપ્રદેશના એક એમ ચાર યુવાનોએ સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ કરવાના પ્રચાર-પ્રસાર સાથે દાંડીયાત્રાના રૂટ પર સાઈકલયાત્રાનો પ્રારંભ કર્યો છે. આજે આ યાત્રા કાકનપુરથી અંકલેશ્વર રવાના થઈ હતી. આજે જ્યારે વિશ્વ આખું કોવિડ-૧૯ના પ્રકોપમાં લપેટાયેલું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સ્વચ્છતાનો પ્રચાર કરવાના ઉદ્દેશથી દાંડીયાત્રાને એક નવું રૂપ આપી ચાર યુવાનો અવિનાશ સરદાના (એનએસએસ સ્વયંસેવક, એસવીઆઈટી, વાસદ), સાહિલ જેક્સન (એમ.એસ.યુનિ. વડોદરા), રાહુલ રાજગોપાલ (ડેકથલોન, વડોદરા) અને રિન્કુ ખુસવા (ગુના, મધ્યપ્રદેશ) દ્વારા સમાજમાં જનજાગૃતિ ફેલાય તે માટે આ યાત્રા રૂપે ધ્યાન દોરવામાં આવશે.

ગો ધાર્મિક જૂથ દ્વારા દર વર્ષે સાબરમતી આશ્રમથી દાંડી સુધી સાઈકલયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, ગો ગ્રીન ક્લાઈમેટ, ભાવિ પેઢીને ખનીજાે અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર તંદુરસ્ત પર્યાવરણ મળે, દરેકને શિક્ષણ મળે એ માટે લાઈબ્રેરીની સ્થાપનાઓ અને બાળકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા ફિટ ઈન્ડિયાનો સંદેશ આપવાનો રહેતો હોઈ અને હકીકતમાં તો ગાંધીજી પણ તેમના સ્વપ્નના ભારતમાં આવું જ કંઈક ઈચ્છતા હતા.

આ યુવાનોએ ૩ ડિસેમ્બરના રોજ સવારે ૬.૪પ કલાકે સાબરમતી આશ્રમ અમદાવાદથી સાઈકલયાત્રાની શરૂઆત કરી છે અને તેઓ ૬ ડિસેમ્બરે દાંડી મુકામે પોતાની યાત્રા પૂરી કરશે. તેઓ સાબરમતી આશ્રમથી અસલાલી, નવાગામ, નડિયાદ, આણંદ, બોરસદ, કાકનપુર, અંકલેશ્વર, સુરત થઈ દાંડી મુકામે પહોંચશે.