અમદાવાદ-

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા SSC ની મુખ્ય પરીક્ષા પુરી થયા બાદ ત્રણ દિવસમાં લેવાનો નિર્ણય કર્યો છે.નોંધનિય છે કે જે આઠ મહાનગરપાલિકા સિવાયના વિસ્તારોમાં તારીખ 15થી 30મી એપ્રિલ વચ્ચે લેવાની હતી તેમાં થોડા ફેરફાર કરાયો છે. કોરોના મહામારીના કારણે સર્જાયેલી નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીની આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. અગાઉ આઠ મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓને બીજી સૂચના ન મળે ત્યાં સુધી આ પરીક્ષાઓ મુલત્વી રાખવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. અને બાકી શહેર તથા જિલ્લામાં 15 થી 30 એપ્રિલ દરમિયાન યોજવાની જાહેરાત કરી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ દ્રારા શાળાના આચાર્યોને પાઠવવામાં આવેલા પત્રમાં અગાઉ જણાવ્યું હતું કે, મે 2021માં લેવાનારી ધો.10ની પરીક્ષાઓ તા.10 મેથી 20 મે દરમિયાન યોજાનારી છે. દર વર્ષની જેમ ધો.10 પરીક્ષાની યોજના અંતર્ગત જૂથ-2માં સમાવિષ્ટ મરજીયાત વિષયોની સૈધ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએ લેવાતી હોય છે. આ પરીક્ષાની તારીખો જે તે વર્ષના શાળાકીય પ્રવુતિ કેલેન્ડરમાં દર્શાવવામાં આવતી હતી. આ વર્ષે શાળાકીય પ્રવુતિ કેલેન્ડર તૈયાર થયેલું ના હોવાથી શાળા કક્ષાના વિષયની પરીક્ષાઓ 15મી એપ્રિલથી તા.17મી એપ્રીલના દિવસોમાં સવારે 11 કલાકે શાળા કક્ષાએ લેવાની અને તેના ગુણ બોર્ડની સૂચના મુજબ ઓનલાઇન દર્શાવવાના રહેશે તેવી સૂચના આપવામાં આવી હતી. પરંતુ કોવિડ19ની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે ઉપરોક્ત સુચનાઓમાં સુધારો કરવામાં આવ્યો હતો. તેથી શાળા કક્ષાના વિષયોની પરીક્ષા 15 એપ્રિલ થી 30 એપ્રિલ દરમિયાન આઠ મહાનગરપાલિકા સિવાયના વિસ્તારમાં લેવાની જાહેરાત કરી હતી. પરંતુ કોરોનાની પરિસ્થિતિ વણસતી જતી હોવાથી આજે તારીખ 14 એપ્રિલના રોજ બોર્ડના સચિવે ઉપરોક્ત સુચનાઓમાં થોડો ફેરફાર કર્યો છે.