બિહાર,

બિહારમાં આકાશમાંથી વિજળી પડવા અને તોફાનના કારણે ભારે તબાહી સર્જાઈ છે. વિજળી પડવાથી બિહારમાં 40થી વધુ લોકોના મોત થયાં જ્યારે ઘણાં લોકો દાઝ્યા જ્યારે ઉત્તરપ્રદેશમાં પણ વિજળી પડવાને કારણે 9 લોકોના મોત થયાં છે.

મળતી માહિતી મુજબ બિહાર જ નહિ પરંતુ ઉત્તરપ્રદેશમાં પણ વિજળી પડવાથી ઓછામાં ઓછા 9 લોકોના મોત થયાં છે. દેવરિયામાં વિજળી પડવાથી 7 લોકોના મોત થયાં છે અને ઘણાં લોકો દાઝ્યા છે. જ્યારે બારાબંકીમાં વિજળી પડવાથી 2 લોકોના મોત થયાં છે જ્યારે 2 લોકો ગંભીરપણે ઘાયલ થયાં છે.

હવામાન વિભાગે આગામી 48 કલાક માટે 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, સહરસા અને મધેપુરાનો સમાવેશ થાય છે. તેમજ કટિહાર, ભાગલપુર, બાંકા, મુંગેર, ખગડીયા અને જમુઇમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

બિહાર ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટે કોઈપણ હોનારતને પહોંચી વળવા માટેની પોતાની તૈયારી કરી લીધી છે. તો એનડીઆરએફ અને એસડીઆરએફ પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.