જૂનાગઢ, ઐતિહાસિક નગરી જૂનાગઢમાં આંગણે મિશન સફાઇ વિઝન ટુરીઝમના ધ્યેય સાથે જિલ્લા વહિવટીતંત્ર જૂનાગઢ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર રચિત રાજ સહિત ૧૭૦ થી વધુ બાઇક સવારો જાેડાયા હતા. ટુરિઝમને પ્રમોટ કરવા સાથે સ્વચ્છતાનો સંદેશો જન-જન સુધી ગુંજતો કરવા આ રેલી યોજવામાં આવી છે. તેમ આ તકે જણાવી જિલ્લા કલેક્ટરે કહ્યું કે,આ રેલી શરૂઆત છે. ગિરનાર પર્વત, ગીરનું જંગલ, એશિયાટીક લાઇન, રોપ-વે, અંબાજી મંદિર, સાસણ ગીર સહિતના જગ વિખ્યાત સ્થળો સહિત ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોથી જૂનાગઢ જિલ્લો સમૃધ્ધ છે. આ બધાના સમન્વય થકી જૂનાગઢને પ્રવાસન હબ બનાવવા આપણે સૌએ સહિયારો પુરૂષાર્થ કરવાનો છે. અને જૂનાગઢના વિકાસમાં સહભાગી બનવાનું છે. બાઇક રેલી કલેક્ટર કચેરી ખાતેથી કાળવા ચોક, ગીરનાર દરવાજા, ભવનાથ મંદિર થઇ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ભવનાથ ખાતે સમાપન થયુ હતું. અહિં કલેક્ટર સાથે અધિક નિવાસી કલેક્ટર એલ.બી.બાંભણીયા, જૂનાગઢ પ્રાંત અધિકારી અંકિત પન્નુ, વંથલી પ્રાંત અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી એન.ડી.ગોવાણી, આર.ટી.ઓ. સોલંકી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.એન. સરવૈયા સહિત ફોરેસ્ટ, પોલીસ તથા અન્ય કચેરીના અધિકારી, કર્મચારીઓ રેલીમાં તેમજ સફાઇ અભિયાનમાં જાેડાયા હતા.