મુંબઇ 

ખૂબ જ જલ્દી તમે મોટા પડદા પર મેજર ધ્યાનચંદનો જાદુ જોઈ શકશો. 'વિઝાર્ડ ઓફ હોકી' તરીકે જાણીતા મેજર ધ્યાનચંદ પર બાયોપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ દિગ્ગજ નિર્માતા રોની સ્ક્રુવાલા કરશે જ્યારે અભિષેક ચૌબે આ ફિલ્મનું નિર્દેશન કરશે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મ સુપ્રતિક સેન અને અભિષેક ચૌબેએ એક વર્ષ થી વધુ સમયમાં લખી છે અને હવે તેની કહાની તૈયાર છે. ફિલ્મ કાસ્ટની પસંદગી હજી થઈ નથી. માનવામાં આવે છે કે કોઈ મોટો અભિનેતા મેજર ધ્યાનચંદની ભૂમિકા ભજવશે.

મેજર ધ્યાનચંદને હોકીની રમતમાં 'ધ વિઝાર્ડ' કહેવાય છે. તેમણે 1925 થી 1949 દરમિયાન ભારતીય હોકી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ધ્યાનચંદે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં રમાયેલી 185 મેચોમાં 500 થી વધુ ગોલ કર્યા છે. એટલું જ નહીં, તેણે વર્ષ 1928,1932 અને 1936 માં 3 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. મેજર ધ્યાનચંદને 1956 માં હોકીમાં પ્રશંસનીય યોગદાન બદલ પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. દર વર્ષે 29 ઓગસ્ટે, તેમનો જન્મદિવસ ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

રોની સ્ક્રુવાલાની RSVP મૂવીઝે આજે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે તે અભિષેક ચૌબેના નિર્દેશનમાં મેજર ધ્યાનચંદની બાયોપિક બનાવશે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 2022 માં રિલીઝ થશે.