ગીર-સોમનાથ-

ગુજરાતમાં કોરોના બાદ હવે બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ચીખલી ગામમાં થોડા દિવસ પહેલા 18 મરઘીઓના શંકાસ્પદ મરણ નીપજ્યાં હતા. કેટલીક મરઘીઓ બિમાર પડી હતી. ત્યારે પશુ પાલન વિભાગે તમામ સેમ્પલ લઇને ભોપાલ ખાતે મોકલી આપ્યાં હતા. ભોપાલથી આવેલા રિપોર્ટથી જિલ્લા વહીવટી તંત્ર દોડતુ થઇ ગયું છે. કારણ કે તમામ મરઘીઓના મરણ બર્ડ ફ્લૂથી થયા હતા. જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડીને એલર્ટ આપ્યું છે ચીખલી ગામમાં પશુ વિભાગન ટીમને મોકલી આપી છે.

જિલ્લામાં બર્ડફ્લૂએ દસ્તક આપી છે. 13 દિવસ પૂર્વે ઉનાના ચીખલી ગામે મુરઘીઓના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો હતો. તેમાંથી 13 મરઘીઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. ત્યારે હવે એકસાથે 13 કેસ આવવાથી જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. સાથે જ પશુપાલન વિભાગ પણ દોડતું થયું છે. ઉનાના ચીખલી ગામે થોડા દિવસ પહેલા 18 મરઘીઓના મોત થયા હતા. જેમાં પ્રાથમિક તપાસમાં બર્ડ ફ્લૂની કોઈ દહેશત ન હોવાનું પશુપાલન વિભાગ દ્વારા કહેવાયું હતું. પરંતુ અચાનક પક્ષીઓના શંકાસ્પદ મોતને લઈ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી.