દિલ્હી-

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં ભાજપ, આરએસએસ ફેસબુક અને વોટ્સએપ પર નિયત્રણં રાખે છે. તેઓ ફેક ન્યૂઝ ફેલાવે છે અને તેના માધ્યમથી નફરત ફેલાવે છે. 

એક અખબારના અહેવાલને ટાંકીને રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, "ભારતમાં ભાજપ અને આરએસએસ ફેસબુક અને વોટ્સએપ પર કબજો ધરાવે છે. તેઓ ફેક ન્યૂઝની વાત કરે છે અને તેના માધ્યમથી નફરત ફેલાવે છે. તેઓ તેનો ઉપયોગ મતદારોને પ્રભાવિત કરવા માટે કરે છે."

 અમેરિકાના અખબારમાં છપાએલ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપના નેતા ટી રાજાએ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે રોહિંગ્યા મુસ્લિમોને ઠાર મારવા જોઈએ. મુસ્લિમોને દેશદ્રોહી ગણાવ્યા હતા અને મસ્જિદને તોડી પાડવાની ધમકી પણ આપી હતી. ફેસબુકના એક કર્મચારીએ તેનો વિરોધ કર્યો હતો અને કંપનીના નિયમોનો વિરોધ કર્યો હતો. જોકે, ભારતમાં બેઠેલા કંપનીના વરિષ્ઠ કર્મચારીઓએ તેના પર કોઈ કાર્યવાહી કરી ન હતી. હવે ફેસબુકની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આ રિપોર્ટ પર ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પર સવાલ ઉઠાવ્યા હતા. દિગ્વિજય સિંહે રવિવારે ટ્વીટ કર્યું હતું કે, "કૃપા કરીને માર્ક ઝુકરબર્ગ વિશે વાત કરો. વડાપ્રધાન મોદીના સમર્થક અંખી દાસની ફેસબુક પર નિમણૂક કરવામાં આવી હતી અને ખુશીથી સોશિયલ મીડિયા પર મુસ્લિમ વિરોધી પોસ્ટ કરવામાં આવી હતી. તમે સાબિત કર્યું કે તમે જે પ્રચાર કરો છો તેને અનુસરતા નથી." તેમણે કહ્યું.

સીપીઆઈ(એમ)એ પણ ફેસબુકને ઘેરી લીધું હતું. સીપીઆઈ (એમ)એ કહ્યું હતું કે, શું ફેસબુકે ભાજપ સાથે મળીને ચૂંટણી મુદ્દે નફરત ફેલાવવા અને ભેદભાવ કર્યો છે? વોલ સ્ટ્રીટ જનરલના અહેવાલમાં ફેસબુકના કર્મચારીઓ નું કહેવું છે કે આ પ્રકારના ભાષણને રોકવાથી ફેસબુકના વ્યાવસાયિક હિતોને નુકસાન થશે. આવી ભૂલ સાર્વજનિક કરવી જોઈએ.