દેવગઢ બારિયા : ઝાલોદ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ, ઝાલોદ પાલિકાના ત્રણ ટર્મથી ચૂંટાઇ આવતા ભાજપના કાઉન્સિલર અને ઝાલોદના સામાજિક તેમજ રાજકીય અગ્રણી હિરેન પટેલનું અકસ્માતમાં મોત થતાં ચાલો જ ઝાલોદમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે. ઝાલોદ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ ઝાલોદ પાલિકાના કાઉન્સિલર તેમજ રાજકીય અગ્રણી હિરેનભાઈ કનુભાઈ પટેલ પોતાના ઝાલોદ મુવાડા નાકા પાસે આવેલ નિવાસ સ્થાન થી વહેલી સવારે રોજ ની જેમ મોર્નિંગ વોક માટે દાહોદ રોડ પર નીકળ્યા હતા. આ સમય ગાળા દરમિયાન તે રસ્તેથી પસાર થતા એક પરિચિત વ્યક્તિ એ દાહોદ રોડ પર કોઈ વ્યક્તિ ના પગ રસ્તા પર અને અડધું શરીર રસ્તાની બાજુમાં આવેલ ઝાડીઓમાં જોવાતા આ વ્યક્તિ કોણ છે ? તે અંગે તપાસ કરતા આ વ્યક્તિ ઝાલોદના સામાજિક અને રાજકીય અગ્રણી હિરેનભાઈ પટેલ હોવાનું જણાતા આ અંગે તેમના પરિવારને જાણ કરી હતી. જેથી તેમના પરિવારજનો ઘટના સ્થળે પર દોડી આવ્યા હતા. અને હિરેનભાઈને સારવાર માટે ઝાલોદની સુંદરમ હોસ્પિટલ ખાતે તાબડતોડ લઈ ગયા હતા. જ્યાં ઇજાની ગંભીરતાને ધ્યાને લઇ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા લઇ જવાનું જણાવ્યું હતું. જેથી ગંભીર ઇજાગ્રસ્ત હિરેન પટેલને સારવાર માટે વડોદરા લઇ જવા ઝાલોદ થી રવાના થયા હતા. પરંતુ વડોદરા પહોંચતા પહેલા જ રસ્તામાં જ તેમનું મોત નિપજ્યું હતું.આ અંગેની જાણકારી નગરમાં વાયુવેગે પ્રસરી જતાં નગરમાં ઘેરો શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે. પોલીસ પણ આ ઘટના અંગે હાલ તપાસમાં જોતરાઈ છે અને રસ્તામાં આવતા તમામ કાર્યરત સી.સી.ટીવી કેમેરાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હિટ એન્ડ રનનો કેસ છે કે કોઈ સુનિયોજિત કાવતરું એ અંગેનો તાગ મેળવવામાં ઝાલોદ પોલીસ જોતરાઈ છે અને ઘટના સ્થળે બેરિકેટની મદદ થી કોર્ડન કરી તપાસ આરંભી છે. મૃતક હિરેન પટેલના મૃતદેહને પેનલ પી.એમ માટે દાહોદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા આ મામલે પણ નગરમાં અનેક તર્ક-વિતરકો વહેતા થયા છે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે ઝાલોદ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂકેલા હિરેન પટેલ આ ઉપરાંત નગરની સહકારી બેંકો, માર્કેટિંગ યાર્ડ, કેળવણી મંડળ સહિતની તમામ સંસ્થાઓમાં જોડાયેલા હતા અને સતત ત્રણ ટર્મથી નગરપાલિકામાં ચૂંટાઇ આવતા હતા. અને હજી સુધી નાની મોટી તમામ ચૂંટણીમાં વિજયી રહ્યા હતા. તેમની સેવાકીય પ્રવૃતિઓ અને સામાજિક કાર્યોને લઇને નગરમાં હંમેશા તેમને યાદ કરવામાં આવે છે. નગર જનોમાં પણ હિરેન ભાઈ પટેલ કસમયે થયેલ નિધનથી ઘેરા શોકની લાગણી ફેલાવા પામી છે.