વડોદરા : પોતાને હિન્દુત્વને વરેલી ગણાવતી ભારતીય જનતા પાર્ટી સત્તા અને મતોના રાજકારણ માટે પોતાની મૂળભૂત વિચારસરણીઓ સાથે પણ કેવી શરમજનક બાંધછોડ કરે છે તેનો તાજાે દાખલો આજે વડોદરામાં જાેવા મળતાં મતદારો પણ સ્તબ્ધ બની ગયા હતા. મહાશિવરાત્રિ, જન્માષ્ટમી, રામનવમી કે દિવાળી-બેસતુંવર્ષ તથા પવિત્ર શ્રાવણ માસ જેવા મહત્ત્વના અને ધાર્મિક દિવસો દરમિયાન ક્યારેય કતલખાના બંધ રાખવાની વિનંતી સુધ્ધાં નહીં કરનાર ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓએ મુખ્યમંત્રીના જન્મદિને કતલખાના બંધ રાખવાની અપીલ માત્ર નહીં, પરંતુ રૂબરૂ જઈ કતલખાનાઓ બંધ કરાવી મુખ્યમંત્રીની ચાપલુસીનો નજારો પેશ કરતાં વડોદરામાં આ બનાવે ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ છે. આજે વડોદરાના લગભગ તમામ કતલખાનાઓ બંધ રખાવાતાં આ વ્યવસાયી સાથે સંકળાયેલા વેપારીઓ પણ અંદરખાને રોષે ભરાયા છે, પરંતુ બહુમતીના કારણે ઘમંડમાં રાચતી ભાજપા સરકાર અને તેના સ્થાનિક ચાપલુસોની નારાજગી વહોરવા કરતાં મન મારીને બેસી રહેવંુ તેમણે મુનાસીબ માન્યું હોવાનું તેઓ સ્વયં બિનસત્તાવાર રીતે જણાવતા ‘કતલખાના’ બંધ રખાવવાના નિર્ણય અને તેના અમલ માટે થયેલી દાદાગીરીએ ભાજપાનો અસલી ચહેરો વધુ એકવાર સામે આવ્યો હોવાની લાગણી જન્મી છે.

મુખ્યમંત્રીના આજે જન્મદિવસને ધ્યાનમાં રાખી ગઈકાલે શહેર ભાજપ પ્રમુખે વડોદરામાં નોનવેજની દુકાનો અને કતલખાના ધરાવતા વેપારીઓને આજે તેમનો વ્યવસાય બંધ રાખવા અપીલ કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ મોટાભાગની નોનવેજની દુકાનો અને કતલખાનાના સંચાલકોએ બંધ રાખી હતી. પરંતુ કેટલાક વેપારીઓએ દુકાનો ચાલુ રાખતાં ભાજપા યુવા મોરચાના કાર્યકરો નોનવેજની દુકાનો અને કતલખાનાં બંધ કરાવવા નિકળ્યા હતા, જેથી કેટલીક જગ્યાએ વિવાદ સર્જાયો હતો.

આગામી હિન્દુ તહેવારો વખતે પણ આવા ફતવા બહાર પાડવાની હિંમત બતાવશે?

મુખ્યમંત્રી વિજય રૂપાણી જૈન હોવાના કારણે તેમની ચાપલુસી કરવાના એકમાત્ર હેતુથી વડોદરાના કતલખાનાઓ આજે તેમના જન્મદિને બંધ રાખવાનો ફતવો બહાર પાડનાર ભાજપાના સ્થાનિક ‘મૌલવી’ આગામી હિન્દુ તહેવારો વખતે પણ આવા ફતવા બહાર પાડવાની હિંમત બતાવશે? એવો વેધક સવાલ આજે લોકોમાં ચર્ચાઈ રહ્યો હતો.