વડોદરા : બરોડા ડેરીની ૭ બેઠકો માટે સોમવારે યોજાયેલી ચૂંટણીમાં ૯૯.૪૯ ટકા મતદાન થયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૭ પૈકી ભાજપે ૬ બેઠક મેળવતા ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ફરી એકવાર ડેરીમાં સત્તાના સુત્રો સંભાળ્યા છે. રસાકસીભરી બનેલી પાદરાની બેઠક પર ભાજપના ઉમેદવાર અને ડેરીના ચેરમેન દીનુમામાનો વિજય થયો હતો. 

વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા વડોદરા જિલ્લા દૂધઉત્પાદક સંઘ લી. બરોડા ડેરીના નિયામક મંડળની ૧૩ પૈકી ૬ બેઠકો ચૂંટણી પૂર્વે બીનહરીફ થતા બાકી રહેલી ૭ બેઠકો માટે સોમવારે બરોડા ડેરીના એસેમ્બલી હોલ ખાતે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ૯૯.૪૯ ટકા મતદાન થયું હતું. આજે સવારે ૯ વાગે મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને ૧૧ વાગ્યા સુધી તમામ બેઠકોના પરિણામો આવી ગયા હતાં. જેમાં ૭ પૈકી ભાજપ પ્રેરીત પેનલના ૬ ઉમેદવારોનો વિજય થતા કુલ ૮ બેઠકો સાથે ભાજપે બરોડા ડેરીમાં ફરી સત્તાના સુત્રો સંભાળ્યા છે. રસાકસી ભરેલી મનાતી પાદરાની બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને ડેરીના ચેરમેન દિનેશપટેલ (દિનુમામા)ને ૬૮ તેમજ કોંગ્રેસ પ્રેરીત ઉમેદવાર નરેન્દ્રમુખીને ૧૯ મત મળતા દીનુમામાનો આસાન વિજય થયો હતો. જ્યારે વડોદરા તાલુકો, શિનોર, સાવલી, ડેસર અને સંખેડા ઝોનની બેઠક પર ભાજપ પ્રેરીત પેનલના ઉમેદવારનો જ્યારે ડભોઇ બેઠક પર કોંગ્રેસ પ્રેરીત પેનલના ઉમેદવારનો વિજય થયો હતો.

અગાઉ બિનહરીફ જહેર થયેલ ૬ બેઠકોમાં વર્તમાન ઉપ પ્રમુખ જી.બી.સોલંકી, કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયા, કોંગ્રેસ પ્રેરીત ઉમેદવારો રણજીતસિંહ રાઠવા, સતીષ મકવાણા, કિપાલસિંહ મહારાઉલ અને સંગ્રામસિંહ રાઠવાનો સમાવેશ થાય છે. આમ નિયામક મંડળની ૧૩ પૈકી ૧૨ બેઠકો પર વર્તમાન બોર્ડના સભ્યો વિજેતા થયા હતાં. ભાજપ પ્રેરીત પેનલનો વિજય થતા ડેરીની બહાર ફઠાકડા ફોડી તેમજ એકબીજાનું મોં મીઠું કરી ભાજપના કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી. હવે ચૂંટણી અધિકારી દ્વારા આગામી ૧૦ દિવસમા ચૂંટાયેલા સભ્યોની બેઠક બોલાવાશે. જેમાં પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી થશે. જાેકે ફરી પ્રમુખપદે દિનુમામા અને ઉપ પ્રમુખ પદે સર્વ.

વિજેતા થયેલા ઉમેદવારો

બેઠક ઉમેદવારનું નામ

પાદરા દિનેશ પટેલ (દિનુમામા)

વડોદરા શૈલેષ પટેલ

શિનોર જયેન્દ્રસિંહ પરમાર

સાવલી રામસિંહ વાઘેલા

ડેસર કુલદિપસિંહ રાઉલજી

સંખેડા રમેશ બારીયા

ડભોઇ દિક્ષીત પટેલ

બિનહરીફ થયેલા ઉમેદવારો

નસવાડી જી.બી.સોલંકી

જેતપુરપાવી રણજીતસિંહ રાઠવા

બોડેલી ક્રિપાલસિંહ મહારાઉલ

છોટાઉદેપુર સંગ્રામસિંહ રાઠવા

વાઘોડિયા સતિષ મકવાણા

કરજણ સતીષ પટેલ

દૂધના પાવડરનો પોતાનો પ્લાન્ટ બનાવાશે

ભાજપ પ્રેરીત પેનલનો વિજય બાદ ઉપ પ્રમુખ જી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં આગળ વધાવાશે. બોડેલી ખાતે ૧૨૫ કરોડના ખર્ચે બનેલા પ્લાન્ટની શરૂઆત સાથે આગામી પાંચ વર્ષમાં દૈનિક દુધ સંપાદન ૭ લાખ લિટર છે. તે વધારીને ૧૦ લાખ થાય ઉપરાંત વધારાનું દુધ પાવડર બનાવવા બહાર મોકલવામાં આવે છે જે માટે પ્રતિકિલો રૂા.૩૫નો ખર્ચ થાય છે તે બચાવવા ડેરીનો પોતાનો દુધના પાવડરનો પ્લાન્ટ બને તે માટે પ્રયાસ કરાશે તેમ કહ્યું હતું.

વિજયના ઉન્માદમા સોશિયલ ડિસ્ટન્સનુ ભાન ભુલાયુ!

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થતા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ ઉર્ફે (દિનુમામા)એ વિજય સરઘસ કાઢ્યું હતું. જેમાં પોલીસની ઉપસ્થિતિમા મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતાં. છતા પોલીસે કોઇ કાર્યવાહી નહી કરતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો. ભાજપ પ્રેરીત પેનલનો વિજય થતા સુગમ ગેટથી ડેરીના ગેટ સુધી વિજય સરઘસ કાઢ્યું હતું. આ સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જાેવા મળ્યા હતાં અને જીતના ઉન્માદમાં કોરોના ભુલાઇ ગયો હતો.

મુખીના એક સમયના ચેલા એજ તેમનુ રાજકારણ પુર કર્યું

બરોડા ડેરીની ચૂંટણીમાં રસાકસી ભર્યો જંગ બની રહે તેમ મનાતી પાદરાની બેઠક પર ડેરીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય દીનુમામા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દીનુમામા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રમુખી વચ્ચે સીધો જંગ હતો એક સમયના મુખીના ચેલા મનાતા દિનેશ પટેલ ઉર્ફે દીનુમામા અગાઉ પાદરા બેઠક પર ધારાસબ્ય બન્યા હતાં અને ડેરીની ચૂંટણીમાં પણ સતત વિજય મેળવ્યો જ્યારે મુખીનો ડેરીની ચૂંટણીમાં ત્રીજી વખત પરાજય થયો તેથી મુખીના એક સમયના ચેલા મનાતા દીનુમામાએ તેમનું રાજકારણ પદ કર્યાની ચર્ચા જિલ્લાના રાજકારણમાં થઇ રહી છે.