ગાંધીનગર-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે. તેવામાં ગુજરાત ભાજપ સંગઠન દ્વારા ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ સ્ટાર પ્રચારકોમાં મોટાં માથાઓ ગાયબ છે અને સ્થાનિક નેતાઓ વધારે જાેવા મળી રહ્યા છે. કેન્દ્રમાંથી સ્મૃતિ ઈરાની ભાજપના સ્ટાર પ્રચારકમાં સામેલ છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપે પ્રચાર સાહિત્ય લોન્ચ કર્યું છે અને અલગ ૪૨ જેટલી વસ્તુઓ પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવશે. ભાજપ પોતાના પ્રચાર સાહિત્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જે.પી.નડ્ડા, અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓના કટ આઉટ પણ જાેવા મળશે.

સાથે અલગ-અલગ વર્ગ સમાજના લોકો માટેની પત્રિકાઓ પણ અલગથી તૈયાર કરવામાં આવી છે. ત્યાં જ ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને બુદ્ધિજીવીઓ માટે પણ અલગથી પત્રિકાઓ તૈયાર કરાવી છે. જેમાં સંબંધિત વર્ગને લગતી માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ’ના લોગો અને સૂત્ર સાથેના બેનર તેમજ ભીંત ચિત્રો અને બિલ્લા પોકેટ પણ પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

પાર્ટી દ્રારા તમામ ઉમેદવારો અને કાર્યકરોને ખેસ, ટોપી, ટી-શર્ટ પણ આપવામાં આવશે. બાઇક રેલી, કાર, વાહનો પર લગાવવા માટે સ્ટિકર તૈયાર કરાયા છે. પ્રચાર સમયે કોરોનાની ગાઈડલાઈનનુ પાલન કરવાનુ રટણ પણ ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યુ છે. તમામ ઉમેદવારો અને કાર્યકરોને પણ કોરોના ગાઈડલાઈન પાલન કરવા માટે સુચના અપાતી હોવાનો દાવો હાલમાં કરાયો છે.