વડોદરા : કોર્પોરેશન દ્વારા શહેરના ખાસવાડી સ્મશાનમાં હિન્દુ નાગરિકોની અંતિમક્રિયા માટેનો કોન્ટ્રાકટ વિધર્મી કોન્ટ્રાકટરને સુપરત કરાતાં હોબાળો થયો છે. ખાસવાડી સ્મશાનમાં ભાજપના અગ્રણીના અંતિમ સંસ્કારમાં પહોંચેલા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહની નજર અંતિમક્રિયા કરી રહેલા વિધર્મી યુવક પર પડતા તેઓ તુરત જ તાડૂક્યા હતા અને આ વ્યક્તિને ત્યાંથી દૂર કરી હતી. જ્યાં પૂછપરછ દરમિયાન તે કોન્ટ્રાકટરનો માણસ હોવાની વાત સામે આવતા ડો. વિજય શાહે પાલિકાની કાર્યપદ્ધતિ સામે રોષ વ્યક્ત કરી આવી પ્રવૃત્તિ હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધમાં હોવાનું કહી કોર્પોરેશનને આમાં સુધારો લાવવા જણાવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર શહેર ભાજપના પૂર્વ સંગઠન મંત્રી મહેશ ત્રિવેદીનું અવસાન થતાં તેઓની અંતિમક્રિયા ખાસવાડી સ્મશાન ખાતે રાખવામાં આવી હતી. જ્યાં શહેર ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો પહોંચ્યા હતા. આ સાથે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ પણ ખાસવાડી સ્મશાન ગયા હતા. જ્યાં અંતિમવિધિ દરમિયાન ચિતા પાસે ટોપીધારી વિધર્મી યુવક અંતિમક્રિયાની પ્રક્રિયા કરતો હોવાનું જણાતાં તેઓએ પૂછપરછ કરી હતી. જેેમાં આ યુવાન કોર્પોરેશને અંતિમક્રિયા માટે આપેલા કોન્ટ્રાકટરના પેટા કોન્ટ્રાકટરનો માણસ હોવાનું સામે આવતા તેઓ ચોંકી ઊઠ્યા હતા.

આ સમયે તેઓએ સ્મશાનમાં વિધર્મી યુવક કેવી રીતે આવી અંતિમક્રિયા કરી શકે તેવો સવાલ ઉઠાવી પાલિકાની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ તુરત જ કોર્પોરેશનના સંબંધિત પદાધિકારી અને અધિકારીઓને આ કામગીરી સુધારો કરવા જણાવી હિન્દુ સંસ્કૃતિનું સન્માન થાય તેવી રજૂઆત કરી હતી. જાેકે આ મામલે મોટો વિવાદ થયાનું પણ કહેવાય છે.