વડોદરા -

વડોદરા મહાનગર પાલિકા દ્વારા પાલિકામાં આવતા ઈલેક્શન વોર્ડ નંબર ૧૪ અને ઈલેક્શન વોર્ડ નંબર ૧૬ વચ્ચે પૂરતા પ્રમાણમાં પાણી આપવાને માટે પાણીની નવી પાઇપ લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આ કામનું અગાઉ ગાંધીનગરથી ઓનલાઇન લોકાર્પણ થઇ ગયું છે. તેમ છતાં સામી ચૂંટણીએ પ્રજાને ગુમરાહ કરવાને માટે ગાજરાવાડીના કાર્યક્રમનું બીજીવાર શાસકો દ્વારા લોકાર્પણ કર્યાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં પાલિકા દ્વારા ઈલેક્શન વોર્ડ નંબર ૧૪ અને ૧૬ના ચૂંટાયેલા કાઉન્સીલરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે પૈકી વોર્ડ નંબર ૧૪ માં શાસક પક્ષ ભાજપાની પેનલ ચૂંટાયેલી છે. જ્યારે વોર્ડ નંબર ૧૬માં કોંગ્રેસની વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવની પેનલ ચૂંટાયેલી છે. આને લઈને બંને પક્ષના કાઉન્સિલરો પોતપોતાના ટેકેદારોને લઈને પાણીની પાઇપલાઇનના ખાતે મહુર્તના કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ સ્થળ પર મેયર ડો.જિગીષાબેન શેઠ, સ્થાયીના અધ્યક્ષ સતીશ પટેલ, લીંબાચીયાની ઉપસ્થિતિમાં ભાજપનો કાર્યક્રમ હોય એ રીતે ભાજપના કાર્યકરો ખેસ પહેરીને ઉપસ્થિત રહેતા વિપક્ષી નેતા ભડક્યા હતા. તેમજ તેઓએ પાલિકાના ખર્ચે બની રહેલ પ્રોજેક્ટમાં ભાજપના પ્રચારનો વિરોધ નોંધાવીને આક્રોશ વ્યક્ત કરતા બંને પક્ષો વચ્ચે ચકમક ઝારી હતી. આખરે માંડ માંડ આ મામલાને થાળે પાડવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસના વિપક્ષી નેતા સહિતના કાર્યકરો અને કાઉન્સિલરો ભાજપના ખેસ પહેરીને સમારોહ કરવાના વિરોધમાં સમારોહને છોડીને ચાલ્યા ગયા હતા.