રાજપીપળા : ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અચાનક પાર્ટી માંથી રાજીનામું આપી દેતા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. રાજીનામા પત્ર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મોકલ્યું હતું. દરમીયાન ભાજપ સાંસદ મનસુખ વસાવા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા.એમણે જણાવ્યું હતું કે મારે ભાજપ પક્ષ અને સરકાર સાથે કોઈ નારાજગી નથી.મારી છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત રહે છે એ મારા નજીકના મિત્રો પણ એ જાણે જ છે.મેં આ મામલે અગાઉ પાર્ટીમાં પણ જાણ કરી હતી.મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી. મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. ભાજપ પક્ષ અને મારા મત વિસ્તારના લોકોને જાે ન્યાય ન આપું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી.મને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. જાેકે સ્ટેચ્યુ ઓફ યુનિટિના વિકાસ માટે આદિવાસીઓની જમીન હડપ કરી વ્યાપારીકરણના થઇ રહેલા અતિરેકના વિરોધમાં આદિવાસી સંસ્કૃતિ, હક્ક અને જીવન શૈલીને બચાવવાના પ્રયાસોમાં નિષ્ફળ જતાં આખરે રાજીમાનું અપાયાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ મનસુખ વસાવાએ ઉમેર્યું છે કે મનસુખ વસાવા નહિ હોય તો પાર્ટી નહિ ચાલે એવું બિલકુલ નથી, પક્ષની તાકાત જ એટલી છે કે કોઈ વ્યક્તિની જરૂર નથી પડતી.મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન સરકાર હલ કરવાની દિશામાં સરકાર પ્રયાસ કરી છે અને વહેલી તકે હલ પણ થઈ જશે.વનમંત્રી ગણપત વસાવા સાથે વાત પણ મારી ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે વાત થઈ છે. આ પ્રશ્ન ગંભીર છે. ભારત સરકાર સાથે જાેડાયેલો પ્રશ્ન છે.ઈકો સેન્સિટિવ ઝોન સ્થાનિક વહીવટી તંત્રનું ઉતાવળું પગલું હતું, પણ સરકાર એ પ્રશ્ન હલ કરશે.હું પક્ષમાંથી રાજીનામુ આપું છું પણ ભાજપ કાર્યકરોને માર્ગદર્શન આપતો રહીશ.હું કોઈ પણ સંજાેગે મારુ રાજીનામુ પરત નહિ ખેચુ.આવનારી તાલુકા જિલ્લા પંચાયત ચુંટણીમાં પક્ષના લોકોને માર્ગદર્શન આપતો રહીશ.જાે પાર્ટી મારુ રાજીનામું નહિ સ્વીકારે તો મારું રાજીનામું સ્વીકારવા પાર્ટીને સમજાવીશ.હું મારી ભાજપની વિચારધારા આજીવન નહિ છોડું.હું લોકસભા સાંસદ પદ પરથી પણ સ્પીકરને રૂબરૂ મળી રાજીનામુ આપી દઈશ, હું રાજીનામું આપવા બાબતે મક્કમ છું. 

મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખી જણાવ્યું કે ભાજપે મને મને ઘણું આપ્યું છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું.મેં પક્ષ માટે વફાદારી રાખી છે, પક્ષના મૂલ્યો જીવનના મૂલ્યો પણ અમલમાં મુક્યા છે.હું એક માનવી છું, મારી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય છે, મારી ભૂલના કારણે પક્ષને નુકશાન પહોંચે એ કારણોસર હું પક્ષ માંથી રાજીનાનું આપું છું.બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજીનામુ આપીશ.અત્રે એ ઉલ્લેખનીય છે કે મનસુખભાઇ વસાવાએ નર્મદા જિલ્લાના ૧૨૧ ગામોને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશનો વિરોધ કર્યો હતો, એમના ઈકો સેન્સિટિવ ઝોન વિરોધના વલણને પગલે કદાચ પક્ષ નારાજ હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે.

સમર્થનમાં સાગબારામાં મોટી સંખ્યામાં રાજીનામાં પડ્યાં

ભાજપ સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં સાગબારા તાલુકા ભાજપ પ્રમુખ મોતીસિંગ દિવ્યાભાઈ વસાવા, મહામંત્રી દિવેશ ભંગાભાઈ વસાવા, પૂર્વ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ મનજીભાઈ વસાવા, સાગબારા તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિલેશ મનજીભાઈ વસાવા અને સાગબારા તાલુકાના વિવિધ મોરચાના હોદ્દેદારો, સક્રિય કાર્યકરો, સરપંચો સહિત ૨૯ લોકોએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો હતો.

મનસુખભાઈ અમારા સાંસદ છે તેનું અમને ગૌરવ છેઃ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ

સીઆર પાટિલ કહ્યું મનસુખ વસાવા અમારા સિનિયસ સાંસદ છે અને તેમણે અમારી સામે લાગણી વ્યક્ત કરી હતી. મનસલુખ વસાવા લાગણીશીલ માણસ છે. તેઓ લોકો માટે લડવાની પોતાની ફરજ છે તેમાં તેઓ ખુબ સારું કામ કરતા રહેશે. અમારા માટે ગૌરવ છે કે મનસુખ ભાઈ જેવા વ્યક્તિ અમારા સાંસદ છે, તેમની રજૂબઆત મુદ્દે આજે હું મુખ્યમંત્રીને મળ્યો હતો.જેથી તેમની જે નારાજગી છે તે દૂર કરવામાં આવશે.

મનસુખ વસાવાને સીએમ કાર્યાલયનું આજે તેડુ

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ ધરી દેતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.તો એક તરફ આજે મુખ્યમંત્રી રૂપાણી સાથે તેઓની બેઠક હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.બીજી બાજુ પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર મનસુખ વસાવાના રાજપીપળા સ્થિત નિવાસસ્થાને દોડી આવ્યા હતા, વડોદરા મહા નગરપાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ સતીશ પટેલ, નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવ સહિત અન્ય નેતાઓએ એમના નિવાસસ્થાને ગુપ્ત બેઠક કરી એમને મનાવવાના પ્રયત્નો કર્યા હતા.