લોકસત્તા વિશેષ : શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ કે તેમના પરિવારજનોની સેવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો અને વ્યક્તિગત લોકો આગળ આવી રહ્યા છે. આ સેવા યજ્ઞમાં શહેર ભાજપ દ્વારા પણ જુદી જુદી પ્રવૃતિઓ શરૂ કરી તેની જાહેરાતો શહેર ભાજપ પ્રમુખના ફોટા સાથે કરવામાં આવી હતી. આ સેવા પ્રવૃતિમાં કોરોનાગ્રસ્ત પરિવારને નિશુલ્ક ટીફીન એટલેકે જમવાનું પુરૂ પાડવાની પણ એક સેવાની જાહેરાત કરાઈ હતી. પરંતું કોરોનાગ્રસ્ત નાગરીકોની મદદની આડમાં ચાલતી રાજકીય ખિચડી પકવવાની પ્રવૃતિની શહેર ભાજપની મેલી મંથરાવટી વધુ એક વખત ખુલ્લી પડી હતી. માત્ર ૧૦ દિવસની ટીફીન સર્વિસમાં શહેર ભાજપ આર્થિક ભીંસમાં મુકાયું હોય તેવો માહોલ ઉભો કરી ચૂંટણી ફંડ ઉઘરાવવાના રીવાજ મુજબ દાનવીરો ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. આ માટે કોર્પોરેશનના કેટલાક અધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભાજપની નિશુલ્ક ટીફીન સેવાની પરોક્ષ કિંમત ચુકવવાનો ઘાટ ઉભો થયો હોવાની સ્થિતિનું નિર્માણ થતા વધુ એક વખત શહેર ભાજપની કાર્યપધ્ધતિ વિવાદોમાં આવી છે.

આ અંગે લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર કોરોનાથી અસર પામેલા પરિવારમાં જ્યારે જમવાનું બનાવવાની મુશ્કેલી ઉભી થાય છે અને બે ટાઈમ ભોજન માટે આવા પરિવારોને વલખા મારવાનો વારો આવે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. આવી વ્યાપક ડિમાન્ડ વચ્ચે શહેર ભાજપ દ્વારા આવા જરૂરીયાત મંદ પરિવારોને નિશુલ્ક ટીફીન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખના એકલાના ફોટા સાથે કરવામાં આવેલી આ જાહેરાતમાં પણ રાજકીય લાભ લેવાની વૃતિ આરંભથી દેખાતી હતી. પરંતું સેવાના કાર્યમાં વિવાદ ન થાય તે માટે શહેર ભાજપના અન્ય નેતાઓ ચૂપચાપ બેસી રહ્યા હતા.પરંતું આ સેવા પ્રવૃતિને લઈ હવે ભાજપમાં ગુસપુસ શરૂ થઈ છે. જેમાં નિશુલ્ક ટીફીન સેવા આર્થિક સંકડામણમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ આર્થિક કટોકટીને ટેકો આપવાની આડમાં નિશુલ્ક ટીફીન સેવા માટે વ્યાપાર ઉદ્યોગો જેવા દાનવીરો પાસેથી ફંડની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. ત્યારે જાહેરમાં નિશુલ્ક ટીફીન સેવાની વાતો કરનાર ભાજપે આ સેવાની પણ પરોક્ષ વસુલાત શરૂ કરી હોવાની ચર્ચાએ કોર્પોરેશન લોબીમાં જાેર પકડ્યું છે.

સાંસદ, ધારાસભ્યો અને કોર્પોરેશનના હોદ્દેદારો પાસે પણ હાથ લંબાવ્યા

શહેર ભાજપ નિશુલ્ક ટીફીન સેવાને લઈ આર્થિક સમસ્યા અનુભવી રહ્યાનું ગત સપ્તાહે જ પ્રસ્થાપિત થઈ ગયું હતું. લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર ગત સપ્તાહે ટેલી મેડીસીનના લોન્ચીંગ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેશનના હોદ્દેદારો સમક્ષ શહેર ભાજપ પ્રમુખે આ વિષય મુકી નિશુલ્ક ટીફીન સેવાનું ભારણ વધ્યું હોય આર્થિક મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું હતું. આ મામલે તેઓએ તમામ ચૂંટાયેલા હોદ્દેદારો પાસે આર્થિક મદદની માંગણી કરી હતી. ત્યારે આ મામલે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પણ ગણગણાટ શરૂ થયો છે.

ઈજારદારોને જબરદસ્તી ‘ભામાશા’ બનાવાયા?

શાસક ભાજપાને હાથવગા હોય એવા ‘ભામાશા’ એટલે પાલિકાના ઈજારદારો જેમને ઈજારા મળ્યા છે અથવા ભવિષ્યમાં ઈજારા લેવાની જેમને લાલચ છે એવા ‘દાનવીરો’ પાસે પણ શહેર ભાજપાએ નિશુલ્ક ટીફિન સેવાની ગુલબાંગથી પડી રહેલો આર્થિક ભાર ઘટાડવા નાણાંની ઉઘરાણી કરવા માંડી હોવાનો ગણગણાટ પાલિકાની લોબીમાં ચાલી રહ્યો છે.

નિઃસ્વાર્થ સેવા અને સેવાના નામે પ્રસિદ્ધિનો ભેદ સમજવો જરૂરી

શહેર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી જુદી જુદી સેવાકીય પ્રવૃતિ ખરેખર છેવાડાના નાગરિક માટે અમલમાં મુકવામાં આવે તો આ કપરા સમયમાં તે ખરેખર ખુબ ઉપયોગી છે. આ પ્રવૃતિ નિસ્વાર્થ સેવા માટે થાય તે જરૂરી છે. પરંતું છેલ્લા કેટલાક સમયથી શહેર ભાજપ સંગઠનના નેતાઓની સસ્તી પ્રસિધ્ધિની ભૂખના કારણે સેવાકીય પ્રવૃતિને પણ શંકાના દાયરામાં મુકવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપની આ નેતાગીરીએ નિસ્વાર્થ સેવા અને સેવાના નામે પ્રસિધ્ધિ મેળવવાની પ્રવૃતિનો ભેદ સમજવા જેવો છે. જાે તેને સમજીએ તો અસ્થી વિસર્જનના ફોટા પાડવા એ સસ્તી પ્રસિધ્ધિ છે. પરંતું શહેરના સ્મશાનોમાં એક પણ અસ્થિ કે મૃતકની અસ્થિના (રાખ) પોટલા જાેવા ન મળે અને તેનો હિન્દુ રિતિ મુજબ નિકાલ થાય તો તે નિસ્વાર્થ સેવા કહેવાય.

- તો શહેર પ્રમુખના ફોટા સાથે કરાયેલી જાહેરાતનો મતલબ શું? ચર્ચા

ટેલી મેડીસીનના લોન્ચીંગ પ્રસંગે શહેર પ્રમુખ દ્વારા શહેરના ચૂંટાયેલા હોદ્દેદારો પાસે આર્થિક મદદ માંગવામાં આવી હતી. પક્ષના કાર્યાલય ખાતે અનેક આગેવાનો અને પક્ષના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલી વાતને જાહેરમાં નકારવાની હિંમત એક પણ ચૂંટાયેલા હોદ્દેદારે કરી નહતી. પરંતું ત્યાર બાદ શરૂ થયેલી ગપસપમાં ચાલેલી ચર્ચા મુજબ નિશુલ્ક ટીફીન સેવા પાર્ટીના પ્રોટોકોલથી વિરૂધ્ધ માત્ર શહેર ભાજપ પ્રમુખના એકલાના ફોટા સાથે જાહેર કરવામાં આવી હતી. જેમાં પક્ષના અન્ય કોઈ નેતા કે ચૂંટાયેલા પ્રતિનિધિને સ્થાન નથી આપ્યું તો હવે આર્થિક મદદ માટે કેમ ચૂંટાયેલા પ્રતિનિધિ યાદ આવ્યા તેને લઈને ભાજપમાં જ આંતરિક ચર્ચાએ જાેર પકડ્યું છે.