વડોદરા : સક્ષમ અને ભરોસાપાત્ર વિકલ્પના અભાવના એકમાત્ર કારણે આ વખતે પણ ૭૬ પૈકી ૬૯ બેઠકો જીતી વડોદરા મહાનગરપાલિકા પર ભાજપાએ સળંગ છઠ્ઠી વખત ભગવો લહેરાવ્યો છે. છેલ્લા ૨૫ વર્ષના શાસન દરમિયાન વડોદરાને વિકાસને બદલે વિનાશમાં ધકેલી દેવાનો આક્ષેપ ધરાવતી ભારતીય જનતા પાર્ટીએ ગત બોર્ડમાના અડધો અડધ ખરડાયેલા કોર્પોરેટરોને હાંકી નવા અને સ્વચ્છ ચહેરાઓને ટીકિટ આપવાને કારણે ભાજપાનું સંભવિત ધોવાણ અટક્યું હોવાનું મનાય છે.

ગત રવિવાર તા.૨૧મીએ યોજાયેલી મતદાનના દિવસે વડોદરા પાલિકામાં આ વખતે પરિવર્તન થવાનો માહોલ જાેવા મળ્યો હતો પરંતુ તમામ રાજકિય પંડિતોના ગણિત ખોટા પાડતા આ પરિણામે વડોદરામાં કોંગ્રેસનું વધુ એકવાર ધોવાણ કર્યું છે. તથા ભાજપા ૬૯ બેઠકો સાથે વધુ એકવાર સત્તાસ્થાને પાછી ફરી છે. આજે વહેલી સવારથી જ પોલીટેકનીક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો આરંભ થયો હતો. વહેલી સવારથી જ રાજકીય પક્ષોએ અને ઉમેદવારોના અંગત ટેકેદારોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. પ્રારંભમાં બેલેટ પેપરથી કરાયેલા મતદાનની ગણતરી હાથ ધરાઇ હતી. તથા ત્યાર બાદ પહેલા રાઉન્ડમાં વોર્ડ નં.૧, ૪, ૭, ૧૦, ૧૩ અને ૧૬ની મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાંથી વોર્ડ નં.૧માં ભાજપાની આખી પેનલ ચૂંટાઇ આવી હતી. જ્યારે વોર્ડ નં.૧૩માં ચાર પૈકી કોંગ્રેસનો એક ઉમેદવાર બાળુ સુર્વે ચૂંટાયેલો જાહેર થયો હતો. એવી જ રીતે વોર્ડ નં.૧૬મા કોંગ્રેસના ભથ્થુ અને એક અને મહિલા ઉમેદવાર અલકા પટેલ ચૂંટાયા હતાં.

બીજા રાઉન્ડમાં વોર્ડ નં.૨, ૫, ૮, ૧૧, ૧૪ અને ૧૭ની અને ત્રીજા રાઉન્ડમાં વોર્ડ નં.૩, ૬, ૯, ૧૨, ૧૫, ૧૮ અને ૧૯ની મત ગણતરી હાથ ધરાઇ હતી. આ તમામ વોર્ડમાં ભાજપાની આખીને આખી પેનલો વિજય થતાં કુલ ૧૯ વોર્ડની ૧૯ પેનલો પૈકી ભાજપાએ ૧૬ પેનલો પર જીત મેળવી લીધી હતી. મતગણતરી જેમ જેમ આગળ વધતી ગઇ તેમ તેમ એક તરફ પ્રથમ તબક્કામાં યોજાયેલ વિવિધ છ ઇલેક્શન વોર્ડની ચૂંટણીઓમાં વોર્ડ નં.૧માં કોંગ્રેસની પેનલ વિજેતા બની હતી. જ્યારે વોર્ડ નં.૧૩માં એક અને વોર્ડ નં.૧૬માં બે બેઠકો કોંગ્રેસને ફાળે આવી હતી. જ્યારે વોર્ડ નં.૪, ૭, ૧૦માં ભાજપાની પેનલ વિજેતા જાહેર થતા કાર્યકરોનો ઉતશાહ બેવડાયો હતો. આ પછી બીજા અને ત્રીજા તબક્કામાં મત ગણતરીમાં જેજે વોર્ડની ગણતરી કરવામાં આવી હતી એ મામ વોર્ડમાં ભાજપાની પેનલો વિજેતા બની હતી. જેને લઇને જે સ્થળે મત ગણતરી ચાલી રહી હતી એ પોલીટેકનીકનું કેમ્પસ વંદે માતરમ અને જયશ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

બીજા તબક્કામાં ઇલેક્શન વોર્ડ નં.૨, ૫, ૮, ૧૧, ૧૪ અને ૧૭ તથા ત્રીજા તબક્કામાં ૩, ૬, ૯, ૧૨, ૧૫, ૧૮ અને ૧૯ નંબરના વોર્ડની મતગણતરીમાં ભાજપની આખેઆખી પેનલ વિજેતા બની હતી. અલબત્ત વોર્ડ નં.૬ની મતગણતરી સામે કોંગ્રેસ, આપ અને એનસીપીના ઉમેદવારોએ સામુહિક રીતે વિરોધ નોંધાવી મોટા પ્રમાણમાં ગોલમાલ કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતાં. તેમજ મતગણતરી મથક ગજવી દેતા પોલીસ કાફલાને મતગણતરી મથક સુધી દોડી જવું પડ્યું હતું. અલબત્ત સત્તાવાર પરિણામ જાહેર થયા પછીથી પણ વોર્ડ નં.૬ના ભાજપા સિવાયના ઉમેદવારોએ પરિણામ સામે વાંધો ઉઠાવી મતગણથરી સ્થળ પર જ ઉપવાસ પર બેસી ગયા હતાં. તેમજ પુનઃ મત ગણથરીની માગ પર અડગ રહ્યા હતાં. જેને કારણે મોડી રાત સુધી પરિણામને જાહેર કરવાને લઇને અનિસ્ચિતતા પ્રવર્તી હતી. મતગણતરી સ્થળ પર જ કોંગ્રેસ, આપ અને એનસીપીના ઉમેદવાર હઠાગ્રહ સાથે પરિણામને સ્વીકારવા તૈયાર થયા નહોતા. એક તબક્કે એનસીપીના મહિલા ઉમેદવારે જાે આ બાબતે ન્યાય મળશે નહીં તો સ્થળ પર જ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઇને ચૂંટણીની કામગીરીમાં જાેડાયેલ સ્ટાફ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

તેઓએ આક્ષેપ કર્યો હતો કે, જે વિસ્તારમાં ભાજપાના ઉમેદવારને પ્રજાએ પ્રવેશ આપ્યો નથી. જાકારો આપ્યો છે ત્યાંથી ચાર થી પાંચ હજાર મત ભાજપને કેવી રીતે મળ્યા? જે બાબત શંકાસ્પદ છે. જ્યારે અમારા નજીવા મત બતાવાયા છે એ ગડબડની શંકા જન્માવે છે. આમ પાલિકાના તમામ વોર્ડની મત ગણતરી પૂર્ણ થવાને આરે હતી ત્યારે આખે આખો હાથી નિકળ્યા પછીથી પૂંછડી અટકાઇ જાય એમ વોર્ડ નં.૬ની ગણતરીને લઇને વિવાદ સર્જાયો હતો. આ કારણસર વોર્ડ નં.૬ના ભાજપા સિવાયના અન્ય પક્ષોના ઉમેદવારોએ કરેલા આક્ષેપોને કારણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને પરિણામ ફરતે વિવાદનો વંટોળ અને મધપુડો છંછેડાયેલો જાેવા મળે છે. અલબત્ત તેઓના આક્ષેપ મુજબ સમગ્ર તંત્ર ભાજપાના ઇશારે કામ કરી રહ્યું છે તેમજ પોલીસ ફોર્સનો ઉપયોગ કરીને જે ગોટાળા કર્યા છે એના ઉપર ઢાંક પીછોડાનો પ્રયાસ કરે છે.