સુરત-

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ભાઈ કોરોના પોઝીટીવ જાહેર થતાં તેમના સમગ્ર કુટુંબને ક્વોરેન્ટાઈન થવાની ફરજ પડી છે અને તમામના ટેસ્ટ પણ કરવામાં આવશે. પ્રકાશ પાટીલ છેલ્લા બે-ત્રણ દિવસથી અસ્વસ્થ હતા અને તેમનો ાકોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં પોઝીટીવ જાહેર થયા છે.

હાલ તેઓ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રકાશ પાટીલના ડ્રાઈવર પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને તેઓ સતત પાટીલ પરિવાર સાથે હતા અને તેથી સમગ્ર પાટીલ પરિવાર માટે ચિંતા વધી ગઇ છે. હાલ તો તેઓ અલગ અલગ આવાસમાં ક્વોરેન્ટાઈન થઇ ગયા છે અને તપાસ રિપોર્ટ માટેની તૈયારી છે. જો કે સી.આર. પાટીલ ખુદ હાલ ગાંધીનગરમાં છે અને તેથી તેઓ પોતાના પરિવારને હાલ મળ્યા નહીં હોવાથી તેઓ સલામત હોવાનું માનવામાં આવે છે. છતાં તેઓ પોતે રિપોર્ટ કરાવશે તેવા સંકેત છે. 

બીજી તરફ સુરત શહેર ભાજપના પ્રમુખ નિતીન ભજીયાવાલા અને તેમના પત્ની જયશ્રીબેનનો પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે અને તેઓ બંનેને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આમ સુરત ભાજપમાં અગ્રણીઓને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતાં સમગ્ર સુરત ભાજપમાં ચિંતાની લાગણી ફરી વળી છે. ભજીયાવાલા પક્ષના અનેક નેતાઓને મળ્યા હતા અને તેઓ પણ હવે પોતાની કોરોના તપાસ કરાવશે.