વિરસદ : આણંદ જિલ્લાના રાજકારણમાં બોરસદ વિસ્તારમાં આવતાં બદલાવ અને દબદબો મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે વર્તમાન ચૂંટણીઓમાં બોરસદ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતગણતરી બાદ જે પરિણામો આવ્યાં છે, તેનાંથી રાજકીય પરિવર્તનની હવા ફૂંકાઈ છે. બોરસદને રાજકીય લેબોરેટરી ગણાવામાં આવે છે. બોરસદે પણ કેસરિયો લહેરાવતાં સ્પષ્ટ જનાદેશ આપ્યો છે.

આજરોજ વહેલી સવારથી શરૂ થયેલી મતગણતરી દરમિયાન સૌ પ્રથમ જંત્રાલ અને અલારસા જિલ્લા પંચાયત અને આઠ તાલુકા બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ક્રમશઃ અન્ય બેઠકોની પણ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. બપોર સુધીમાં જાહેર થયેલાં પરિણામોમાં તાલુકા પંચાયતની તમામ ૩૪ બેઠકોમાંથી ૨૭ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસ માત્ર સાત બેઠક પર જ કાઠું કાઢી શકી છે. ૨૭ બેઠકો પર ભાજપનો ભગવો બહુમતી સાથે લહેરાયો છે.

- ખાનપુર તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર મફતભાઈ રમણભાઈ સોલંકીએ વિજયની હેટ્રિક નોંધાવી

- કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના વતન દહેવાણની જિલ્લા પંચાયત અને તા.પં. બેઠક પર ભાજપ વિજયી

- કોંગ્રેસ તાલુકા પ્રમુખ જગદીશભાઈ પરમારના વતન જંત્રાલની જિલ્લા અને તાલુકા બેઠક કોંગ્રેસે ગુમાવી

- જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અશ્વિન કા. પટેલે વતન વિરસદમાં કોંગ્રેસની આબરું બચાવી

- રાસ તાલુકા પંચાયતના કસોકસના જંગમાં ભાજપના જનકબેન પરમાર વિજયી