ભરૂચ, ગુજરાતભરમાં સહકારી ક્ષેત્રે પગદંડો જમાવવા માટે ભાજપે એક પછી એક સહકારી આગેવાનો પર કાનુની ગાળિયો કસીને તેમને ભાજપમાં આવવા માટે મજબુર કર્યા હતા. ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસના હાથની એકમાત્ર વટારિયા સુગરને પણ હવે ભાજપનો દબદબો ઉભો કરવા માટે ચેરમેન સંદિપ માંગરોલાની આસપાસ કાનુની દાવપેચ રમાઈ રહ્યા છે. જેની સીધી અસર સુગરની ચૂંટણ ઉપર થતા આખરે સંદિપ માંગરોલાએ ચેરમેન પદેથી રાજીનામું આપી દઈ આજરોજ ખેડૂતોના હિતમાં સુગરની ચૂંટણી સમયસર અને નિષ્પક્ષ રીતે યોજાય તેવો દાવો કરી સુગરની ચુંટણી વિલંબમાં પડે અથવા ન થાય અને સુગરમાં કસ્ટોડીયનની નિમણુંક થાય તેવી વિરોધીઓની મેલી મુરાદ હોવાનો સીધો આક્ષેપ પણ કર્યો હતો. 

ભરૂચ જીલ્લામાં એકમાત્ર મોટી સંસ્થાઓ પર ભાજપે પોતાનો દબદબો બનાવ્યો છે. એકમાત્ર વટારીયા સુગરમાં કોંગ્રેસના આગેવાન સંદિપ માંગરોલાની સત્તા હતી. લોકડાઉનના કારણે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ સામે ગ્રહણ લાગ્યું હતું. પરંતુ અનલોક થયા બાદ સરકારની ગાઈડલાઈન મુજબ અન્ય સુગર ફેકટરીઓની ચૂંટણી યોજાઈ હતી કે જેના પર ભાજપનો દબદબો હતો. પરંતુ જીલ્લામાં એકમાત્ર કોંગ્રેસના હાથમાં રહેલી વટારીયા સુગર સામે કાનુની દાવપેચ શરૂ કર્યા હતા. સંદિપ માંગરોલાને ભાજપમાં જાેડવા માટે એડીચોટીનું જાેર લગાવાયું હોવાના અહેવાલો પણ ફરતા થયા હતા. જાેકે સંદિપ માંગરોલાએ તેને અવગણતા તેમની આજુબાજુ કાનુની ગાળીયો કસાયો હતો. જેનો પડઘો છેક હાઈકોર્ટ સુધી પડઘાયો હતો.

હાઇકોર્ટે સુગરની ચૂંટણીને લીલીઝંડી આપ્યા બાદ પણ બોર્ડ ઓફ નોમીનીએ વટારીયા સુગરની ચૂંટણીને રોક લગાવી દીધી હતી. જેના પગલે આખરે સંદિપ માંગરોલાએ ચેરમેન તરીકે રાજીનામું આપીદેતા સહકારી ક્ષેત્રે ખળભળાટ ઉભો થયો હતો. દરમિયાન આજરોજ ભરૂચના ભોલાવ સ્થિત સર્કીટ હાઉસ ખાતે પ્રેસ મિડિયાને સંબોધતા જણાવ્યું હતું કે પ્રેસમીટમાં તેમણે ખેડૂતોના હિતમાં સમયસર અને નિષ્પક્ષ રીતે સુગરની ચુંટણી યોજાય તે માટે રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો હતો. એટલુંજ નહિં, તેમણે આડકતરી રીતે પોતાને ભાજપમાં સમાવવા માટે પ્રયાસો થતા હોવાનો ઇશારો કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે સત્તાના જાેરે સુગરની ચૂંટણી ન યોજાય તે માટે પ્રયાસો પણ થઈ રહ્યા છે. હાઈકોર્ટની લીલી ઝંડી હોવાછતાં બોર્ડ ઓફ નોમીનીએ વટારીયા સુગરની સામે આપેલા સ્ટે સામે પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ચૂંટણીને વિલંબમાં પાડી દઈ સુગરમાં કસ્ટોડીયન નીમવાની મેલી મુરાદ વિરોધીઓની હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આખરે સુગરના સભાસદો અને જનતા ન્યાય કરશે. સુગરની ચુંટણી યોજાશે અને તેમાં તમામ મતદારોનો તેમને સમર્થન મળશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.