ચંડીગઢ-

ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી બીએલ. સંતોષે કહ્યું છે કે, પાર્ટી આવતા વર્ષે પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ ૧૧૭ બેઠકો પર ચૂંટણી લડશે અને રાજ્યમાં સરકાર બનાવશે. ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમ સાથે બેઠક કરવા અહીં આવી પહોંચેલા સંતોષે રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે આ જાહેરાત કરી છે.

અગાઉ પંજાબમાં ભાજપ અકાલી દળ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડતી રહી છે, પરંતુ રાજ્યમાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધને ધ્યાનમાં રાખીને અકાલી દળે તેનો સાથ છોડી દીધો છે. અકાલી દળે હવે બસપા સાથે ગઠબંધન કરી લીધું છે, જ્યારે આમ આદમી પાર્ટી (આપ) પણ કોંગ્રેસમાંથી સત્તા છીનવવાનો પ્રયાસ કરી રહી છે.

સંગઠનના મહામંત્રીએ પાર્ટીના પ્રદેશ નેતાઓ અને અન્ય લોકો સાથે બેઠક પણ યોજી અને રાજ્યની રાજનીતિની ચર્ચા કરવામાં આવી હતી. સંતોષે પાર્ટીના કાર્યકરોને સંબોધતા કહ્યું કે દેશમાં ભાજપની લહેર છે અને પંજાબના લોકો રાજ્યમાં પણ ભાજપ સરકાર બનાવવા માટે ઉત્સુક છે. સંતોષે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી રાજ્યની તમામ ૧૧૭ બેઠકો પર વિધાનસભાની ચૂંટણી પોતાના દમ પર લડશે અને લોકોના સહયોગથી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી જીતશે. સંગઠનના મહામંત્રીએ જણાવ્યું કે કૃષિ કાયદાઓ વિરુદ્ધનાં વિરોધનો ખોટો પ્રચાર ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે, કેમ કે ખેડૂતોને સમજાયું છે કે આ કાયદાઓથી સમૃધ્ધિ આવશે.