સુરત-

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સુરત સહિત સમગ્ર રાજ્યનો પ્રવાસ ખેડી રહ્યાં છે. સુરતમાં પણ ભાજપના પેજ પ્રમુખ બનાવવાનું કામ જાેરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે અહીંના મજૂરા વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં સીઆર પાટીલે લોકોને સંબોધતા જણાવ્યું કે, પેજ સમિતિથી ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ આવ્યો છે. આ પેજ સમિતિની હવાની ફૂંક કોંગ્રેસના તળિયા ઝાટક કરી નાખશે. ગુજરાત ભાજપ આ વખતે વિજયનો નવો વિક્રમ નોંધાવશે. 

મજુરા વિધાનસભા દ્વારા આયોજીત સ્વાગત સન્માન અને પેજ કમિટીના કાર્ડ વિતરણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનો, સમાજનાં શ્રેષ્ઠીજનો, વિવિધ સામાજીક, ધાર્મિક સંસ્થાઓના મહાનુભવો દ્વારા કરાયેલાં ભવ્યાતિભવ્ય સ્વાગત સન્માન બદલ આભાર વ્યક્ત કરતા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે જણાવ્યું કે, આ ભવ્ય સ્વાગત સન્માન બદલ હું આપ સૌનો ઋણી છું.

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની તમામે તમામ ૧૮૨ સીટ જીતવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે. પેજ કમિટીના પેજ પ્રમુખથી લઈ પ્રદેશ અધ્યક્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો ૧૦૦ ટકા પરિણામ માટે સંકલ્પબદ્ધ થઈ મહેનત કરી રહયા છે, ત્યારે આજે લઘુ ભારત સમાન સુરતમાં વસતાં સૌ સમાજનો ટેકો મળતાં આ જીત ખરેખર ખૂબ જ ભવ્ય બનશે તેમાં કોઈ મીનમેખ નથી. ૧૮૨ ફૂટનો હાર પહેરાવી સુરતે આજે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે તે ખૂબ વંદનીય છે.