સુરત-

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તમામ રાજકીય પક્ષો જોરશોરથી તેમના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે, રાજ્યના ડાયમંડનગરી સુરતમાં પણ મનપાની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર હવે ચરમસીમા પર પહોંચ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના તમામ ચૂંટણી કાર્યક્રમો રદ થયા છે.ત્યારે, સુરતમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હવે કમાન બરોબરની સાંભળી લઈને ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. સોમવારે સુરતમાં રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી જે સભાઓમાં આવવાના હતા તે સભાઓ રદ ન કરીને પ્રદેશ પ્રમુખે તેને સંબોધી તેમનો વીજળીક પ્રચાર શરૂ કરી દીધો છે. આવતીકાલે સુરતના વરાછા વિસ્તારમાં સવારે 8: 30 કલાકે શ્રી શ્યામધામ મંદિર પાસે, સરથાણા જકાતનાકાથી તેઓની આગેવાની નીચે એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઈક રેલી વોર્ડ નંબર 3,4,5,14,15,16,17,18ના વિવિધ વિસ્તારોમાં ફરીને બપોરે 1 કલાકે સુરત-કડોદરા મેઈન રોડ પરવત પાટિયા પર સમાપન થશે.વરાછા વિસ્તારમાં ગત દિવસોમાં આપ દ્વારા કરવામાં આવેલા રોડ શો બાદ આ બાઈક રેલીને સફળ બનાવવા બીજેપી આગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ રેલી બાદ ભારતીય જનતા પાર્ટીના ઉધના સ્થિત કાર્યાલય પર પ્રદેશ અધ્યક્ષ પાટીલ બીજેપી આયોજિત એક પત્રકાર પરિષદમાં આગામી મનપાની ચૂંટણીને અનુલક્ષીને સુરત મહાનગરનું સંકલ્પપત્ર રજૂ કરવામાં આવશે.પાટીલ સાંજે 7 કલાકે માધવબાગ ગેટ પાસે,રણછોડ નગર ની આગળ,ચોર્યાસી ડેરી રોડ,પરવટ પાટિયામાં એક વિશાળ જાહેરસભા સંબોધશે.આ સભા બાદ રાત્રીના 8 કલાકે કોટસફીલ રોડ, ભાગળ પર આયોજિત જનસભાને સંબોધિત કરશે.જયારે ગુરુવારે રાત્રીના 8: 30 કલાકે તેઓ તમામ 30 વોર્ડમાં વર્ચ્યુઅલ જાહેરસભામાં દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કરશે.આમ, હાર્દિક પટેલ, મનીષ સીસોદીયાના કાર્યક્રમ બાદ સુરત બીજેપી હવે આક્રમક મૂડમાં તેનું પ્રચાર કાર્ય ધપાવશે તેવું લાગી રહ્યું છે અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ પાટીલ આગામી દિવસોમાં તેના આગવા અંદાજમાં પ્રચારને વધુ તેજ બનાવે તેવા સંકેતો મળી રહયા છે.