ગાંધીનગર-

કૃષિ કાયદાના વિરોધમાં દેશના અનેક રાજ્યોમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દિલ્હીમાં તો છેલ્લા 20 દિવસથી રસ્તા રોકો સહિતનાં આંદોલનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કૃષિ કાયદા ખેડૂત વિરોધી નથી પરંતુ તેનાથી ખેડૂતોને અનેક ફાયદા થાય તેમ છે તેવી વાત લોકો સમક્ષ અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો સમક્ષ લઈ જવા માટે ભાજપે કાલે ગુજરાતમાં ઠેરઠેર ખેડૂત સંમેલનનું આયોજન કર્યું છે.

ભાજપ્ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે અલગ-અલગ ત્રણ ઝોનમાં ખેડૂત સંમેલન યોજવામાં આવશે તેમાં દક્ષિણ ઝોનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મધ્ય ઝોનમાં ભાજપ્ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સૌરાષ્ટ્ર ઝોનમાં પડધરી ખાતે યોજાનારા ખેડૂત સંમેલનને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સંબોધન કરશે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં અને અન્ય રાજ્યોમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. તેવા સમયે આ બિલથી ખેડૂતોને નુકસાન નહીં પરંતુ ફાયદો થાય છે તે વાત સમજાવવા માટે ભાજપ દ્વારા પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે આવતીકાલે સવારે 10:00 વાગ્યે પડધરી ખાતે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના ખેડૂતોનું મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે.