ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત અગાઉ કેન્દ્રિય મંત્રી અમિત શાહ તેમજ ગુજરાતનાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં બે દિવસની ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તા સહિતના નિમંત્રિત સભ્યો ઉપસ્થિત રહેશે. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતપોતાની રીતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે શાસક પક્ષ ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ વારાફરતી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. જાે કે પીએમ મોદીની ગુજરાત મુલાકાત અગાઉ કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં તેઓ અમદાવાદ - રાજકોટ રોડ ઉપર આવેલા બાવળા પાસેના કેન્સવિલે રિસોર્ટમાં યોજાનાર પ્રદેશ ભાજપની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે.