આણંદ, તા.૨ 

ચાંગા સ્થિત ચારુસેટ હોસ્પિટલ સંચાલિત શ્રીમતી ચંદાબેન મોહનભાઇ પટેલ બ્લડ બેન્કમાં રક્તદાન કેમ્પ થકી એક યુવાને પોતાના જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. ન્યુ જનરેશનનું ન્યુ નોર્મલ બર્થ-ડે સેલિબ્રેશન કંઈક આવી રીતે કરવામાં આવી રહ્યું છે. પાડગોલમાં વસતા પ્રતીક કિરણભાઈ પટેલ નામના યુવાને ૨૯મા જન્મદિને ચારુસેટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને યુવા પેઢી માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.  

પ્રતીક પટેલનો જન્મદિન ચારુસેટ હોસ્પિટલમાં ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના જાેઇન્ટ સેક્રેટરી દિલીપભાઇ પટેલ, ગીતાબેન પટેલ, ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સિસના પ્રિન્સિપાલ ડો.દર્શન પટેલ, બ્લડ બેન્કના પેથોલોજિસ્ટ ડો.આકાશ પ્રજાપતિ ઉપરાંત અન્ય સ્ટાફની

ઉપસ્થિતિમાં કેક કાપી ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે પાડગોલ-વડતાલ-થલેડી-ચાંગા ગામના યુવાનોએ રક્તદાન કર્યું હતું. 

પ્રતીક પટેલે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લાં ૪ વર્ષથી દર વર્ષે રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણનું આયોજન કરે છે. અગાઉ ૨૦૧૭માં ચારુસેટ હોસ્પિટલમાં તેમણે રક્તદાન કેમ્પ યોજ્યો હતો. આજે પણ ચારુસેટ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ ઉપરાંત પેટલી-પાડગોલ-રંગાઈપુરામાં ૫૦૦ રોપા રોપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ પ્રકારની અનોખી ઉજવણી દ્વારા બીજાને પણ પ્રેરણારૂપી ઉદાહરણ પ્રાપ્ત થાય છે. ચારુસેટ હોસ્પિટલે આ સેવાકાર્યમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.