વડોદરા -

માંજલપુર વિસ્તારમાં જ્યુપીટર ચોકડી પાસે કામની શોધ માટે ભેગા થતા રોજમદાર મજુરોના બે જુથ વચ્ચે આજે સવારે કોન્ટ્રાક્ટ પર કામના મુદ્દે વિવાદ થયો હતો જેમાં બંને જુથના સ્ત્રી-પુરુષોના ટોળાએ જાહેરમાર્ગ પર જ સામસામે હુમલો કરતા દોડધામ મચી હતી. આ બનાવના પગલે ટોળેટોળા ભેગા થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવની જાણ થતા જ માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી પરંતું તે અગાઉ ઝઘડો કરી રહેલા ટોળા ફરાર થતા પોલીસને તેઓના કોઈ સગડ મળ્યા નહોંતા.

માંજલપુર વિસ્તારમાં આવેલી જ્યુપીટર ચોકડી પાસે રોજ સવારે રોજમદાર સ્ત્રી-પુરુષ મજુરોના ટોળા કામની શોધ માટે ઉક્ત સ્થળે આવી જાય છે. તેઓને કોન્ટ્રાક્ટ પર કે છુટ્ટક કામ મળે તો તેઓ કામના સ્થળે રવાના થાય છે અને કામ ના મળે તો ખાલી હાથ ઘરે પાછા ફરે છે. આજે સવારે પણ રાબેતામુજબ આ સ્થળે મજુરોના ટોળા ભેગા થયા હતા. દરમિયાન કોન્ટ્રાક્ટ પર કામ માટે મજુરોના બે જુથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન તેઓ છુટ્ટા હાથની મારામારી પર આવી જતા સ્ત્રી-પુરુષોના ટોળાએ સામસામે હુમલો કર્યો હતો.

આ હુમલામાં કેટલાક મજુરો મકાન બાંધકામમાં વપરાતા સાધનો વડે પણ હુમલો કરતા દોડધામ મચી હતી. સ્ત્રી-પુરુષોના ટોળા વચ્ચે થયેલી મારામારીના પગલે દોડધામ થતા રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ બનાવની માંજલપુર પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી પરંતું તે અગાઉ ઝઘડો કરી રહેલા તેમજ કામની શોધમાં ઉભેલા અન્ય મજુરો પણ પોલીસને જાેતા જ ત્યાંથી પલાયન થયા હતા. આ બનાવ અંગે માંજલપુર પીઆઈ બી જી ચેતરિયાએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પોલીસની વાન અગાઉ એક એમ્બ્યુલન્સ સાયરન સાથે પસાર થઈ હતી જેથી મજુરો પોલીસ આવી હોવાનું માનીને ત્યાંથી ફરાર થયા હતા. આ બનાવમાં ઘટનાસ્થળે કોઈ ઈજાગ્રસ્ત કે ઈજાના કારણે લોહીના ડાઘા જાેવા મળ્યા નથી કે દવાખાનામાંથી પણ કોઈ વર્ધી મળી નથી તેમજ મોડી સાંજ સુધી કોઈ ફરિયાદ માટે પણ આવ્યા નથી માટે ઝઘડો કરનારા કોણ હતા અને તેનું વાસ્તવિક કારણ શું હતું તેની કોઈ વિગતો મળી નથી.