ગાંધીનગર-

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાતમાં ત્યારે આશરે 1 કરોડ 20 લાખ જેટલી માર્કશીટ વર્ષ દરમિયાન બનાવવામાં આવે છે, પરંતુ વર્ષ 1960માં શિક્ષણ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આજદિન સુધી રિઝલ્ટ પ્રોસેસિંગ ભાડાના મકાનમાં કરવામાં આવતું હતું. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સોમવારે રિઝલ્ટ પ્રોસેસિંગ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું છે. શિક્ષણ બોર્ડની રિઝલ્ટ પ્રોસેસિંગ બિલ્ડિંગનું કાર્ય પૂર્ણ થતા બે વર્ષ જેટલો સમય લાગશે. આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સેક્ટર 22માં આવેલી માધ્યમિક શાળાના સ્કૂલ બિલ્ડિંગમાં કર્યું હતું.

ગાંધીનગર શહેરના સેક્ટર 22માં આવેલી આર્યભટ્ટ શાળાનું બિલ્ડિંગ શિક્ષણ બોર્ડ હસ્તક છે. ત્યારે આ જગ્યામાં સોમવાર શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રિઝલ્ટ બિલ્ડિંગનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. 24.63 કરોડના ખર્ચે બનનારી આ બિલ્ડિંગમાં ધોરણ 10 અને 12ની રેગ્યુલર તેમજ પૂરક પરીક્ષાના પરિણામની કામગીરી કરવામાં આવશે. આગામી બે વર્ષમાં આ બિલ્ડિંગ સંપૂર્ણપણે તૈયાર થઈને કાર્યરત થઈ જશે, તેવો આશાવાદ શિક્ષણ પ્રધાન ચુડાસમાએ વ્યક્ત કર્યો હતો. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના જીવનમાં કંઈ પણ બનવું હોય તો પહેલા બોર્ડની પરીક્ષામાંથી પસાર થવું પડે છે. ત્યાર બાદ કોઇ પણ ફિલ્ડમાં જઈ શકાય છે. શિક્ષણ વિભાગ દ્વારા રિઝલ્ટ બનાવવામાં આવી રહ્યું છે. જેના કારણે પરિણામની ગુપ્તતા અને ગુણવત્તા જળવાશે. જ્યારે રિઝલ્ટ તૈયાર કરવામાં સરળતા રહેશે અને સમયની પણ બચત થશે.