વડોદરા : છાણી બેન્ક ઓફ બરોડામાં નકલી સોના ઉપર ગોલ્ડ લોન લેવાનો મામલો બહાર આવ્યા બાદ ચોંકી ઊઠે.લા બેન્કના સત્તાવાળાઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક દૃષ્ટિએ બેન્કમાં એ સમયે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની સીધી સંડોવણી બહાર આવતાં બેન્ક તરફથી એમને ચાર્જશીટ ફટકારી મેમો આપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં આ કર્મચારીઓની શિક્ષાત્મક બદલીઓ કરવામાં આવશે એમ જાણવા મળ્યું છે. બીજી તરફ પોલીસે પણ બેન્ક કર્મચારીઓ સહિત અન્યોને બોલાવી પૂછપરછ હાથ ધરી છે.

બેન્ક ઓફ બરોડા છાણી શાખામાં નકલી સોના ઉપર જુદા જુદા લોકોને સવા કરોડ રૂપિયા ઉપરાંતની લોન આપવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ અંગે બેન્કના સત્તાવાળાઓ દ્વારા પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચ અને છાણી પોલીસ મથકે લેખિતમાં જાણ કરી બેન્ક દ્વારા નીમાયેલા વેલ્યુઅર સોનીની મિલીભગતમાં જ આ કૌભાંડ થયું હોવાની વિગતો જણાવી હતી. આ સોની અન્ય રાષ્ટ્રીયકૃત બેન્કોનો પણ વેલ્યુઅર હોવાથી કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા વ્યકત કરવામાં આવી હતી.

છાણી બ્રાન્ચ દ્વારા સોના ઉપર ધિરાણ મેળવનારા ગ્રાહકો પૈકી કેટલાક લોકો લાંબા સમય સુધી એટલે કે મુદત વિતી ગયા બાદ પણ લોન રિન્યુ કે વ્યાજ ભરવા નહીં આવતાં બેન્ક દ્વારા અપાયેલી નોટિસના પગલે આવેલા ગ્રાહકોએ આવી કોઈ ગોલ્ડ લોન અમે લીધી નહીં હોવાનું જણાવ્યું હતું. જેના પગલે ચોંકી ઊઠેલા બેન્ક સત્તાવાળાઓએ ડોકયુમેન્ટ્‌સની તપાસ કરતાં એમાંથી નીકળેલા આધારકાર્ડ ગ્રાહકોના જ હતા, પરંતુ એમના નામે લોન વેલ્યુઅર જિજ્ઞેશ એચ.સોનીએ જ લીધી હોવાનું જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ બેન્ક દ્વારા જ્યારે આવા ગ્રાહકોએ તારણમાં મુકેલા સોનાની તપાસ કરી તો ૩૦ ઉપરાંત ગ્રાહકોનું સોનું તદ્દન નકલી હોવાનું બહાર આવતાં અંતે પોલીસને જાણકારી આપી ફોજદારીરાહે કાર્યવાહી કરવાનું નક્કી કરી પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચ અને છાણી પોલીસ મથકે લેખિતમાં જાણકારી આપી છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસ અગાઉ બેન્ક ઓફ બરોડાના સત્તાવાળાઓ દ્વારા લેખિત અરજી કરવામાં આવી હતી, જેમાં બેન્કના જ વેલ્યુઅર જિજ્ઞેશ એચ.સોની અને કર્મચારીઓએ મળી જઈ નકલી સોનું મુકી સવા કરોડ રૂપિયા ઉપરાંતની જુદા જુદા ૩૦ જેટલા ખાતાઓ ખોલી લોન લીધા બાદ મુદતે નાણાં નહીં ભરી બેન્કને મસમોટું આર્થિક નુકસાન પહોંચાડયું હોવાનું જણાવ્યું હતું.પોલીસે હાથ ધરેલી તપાસમાં છાણીના બેન્ક વેલ્યુઅર સોની બી.ઓ.બી. ઉપરાંત અન્ય રાષ્ટ્રીયકૃત બેન્કનો પણ પેનલ વેલ્યુઅર હોવાથી અન્ય બેન્કોમાં આવું કરાયું હોવાની શક્યતાને આધારે અન્ય બેન્કોને મુદત વિતી ગયા બાદ પણ બેન્કમાં નહીં ફરકતા ગોલ્ડ લોનધારકોની તપાસ હાથ ધરવાની સૂચના આપી હતી. ગોલ્ડ લોન કૌભાંડની જાણકારી છાણી બેન્કના ગ્રાહકોને થતાં ફફડાટ ફેલાયો હતો અને એમનું અસલી સોનું કાઢી નકલી સોનું તો નથી મુકી દેવાયું ને? એવી આશંકા વ્યક્ત કરી બેન્કો ઉપર તપાસ કરવા માટે દોડી ગયા હતા.