વડોદરા : ખોટા દસ્તાવેજાેના આધારે બેન્ક ઓફ બરોડામાંથી મોટી મોટી રકમની લૉન મેળવવાના ચાલતા કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા આજે એક તત્કાલીન બ્રાન્ચ મેનેજરની સયાજીગંજ ખાતે ધરપકડ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની દુણિયા બ્રાન્ચમાં ૨૦૧૬માં અપાયેલી રૂા.૧ કરોડની લૉનમ બેન્કના બ્રાન્ચ મેનેજર, પેનલ વેલ્યુઅરથી માંડી લૉન લેનાર જામીનદાર અને લૉન કન્સલ્ટન્ટ સામે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમી વીંગમાં એફઆઈઆર નોંધાઈ હતી.

સીઆઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ બેન્ક ઓફ બરોડાના ઉચ્ચ સત્તાવાળાઓ દ્વારા હાલોલ તાલુકાની દુણિયા બ્રાન્ચમાં થયેલા લૉન કૌભાંડની વિગતો આપવામાં આવી હતી, જેની તપાસ દરમિયાન આ કૌભાંડમાં ૬ ઈસમોની સંડોવણી બહાર આવતાં એમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન આચરવામાં આવેલા આ કૌભાંડમાં સિદ્ધાર્થ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર શંકરભાઈ અનોપસિંહ પરમારે બેન્ક ઓફ બરોડાની દુણિયા શાખામાં કારખાનું નાખવા માટે લૉનની અરજી કરી હતી. જેમાં ૨૮ લાખ પ્રોજેકટ લૉન અને કેસ ક્રેટિડના ૭૦ લાખ રૂપિયા બેન્ક દ્વારા મંજૂર કરી આપી દેવાયા હતા.

એ સમયે બેન્કના બ્રાન્ચ મેનેજર હુકુમચંદ ભગવાનદાસ મલાઈયાએ લૉન માટે આપેલા કાગળોની મેનેજરે પ્રાથમિક તપાસ પણ કર્યા વગર લૉનની રકમ મંજૂર કરી એમના ખાતામાં ૨૮ લાખ રૂપિયા આપી દીધા હતા. ખરેખર તો જે જગ્યા ઉપર એટલે કે રેવન્યૂ સર્વે નંબર નાંદરખા, તા.કાલોલમાં ફેકટરી ઊભી થનાર હતી એ જમની ખેતીની જમીન હતી, તેમ છતાં એની ઉપર લૉન આપી દેવાઈ હતી જે નિયમોની વિરુદ્ધ હતી. બેન્ક ઓફ બરોડાના પેનલ વેલ્યુઅર અતુલકુમાર વિનોદભાઈ શાહની પણ ભૂમિકા શંકાસ્પદ હોવાનું બેન્ક અને સીઆઈડીની તપાસમાં બહાર આવ્યું છે, જેના પગલે એને પણ આરોપી બનાવાયો છે.

સિદ્ધાર્થ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટરે ર૮ લાખની લૉન મેળવી લીધા બાદ કેશ ક્રેડિટ તરીકે ૭૦ લાખ રૂપિયા લેવા માટે સપ્લાયર તરીકે તન્હા ઈન્ડસ્ટ્રીઝ ધુલિયા (મહારાષ્ટ્ર) અને કેતનકુમાર અરવિંદભાઈ પટેલના નામની દીયા એન્ટરપ્રાઈઝ ધૂલે (મહારાષ્ટ્ર)ના નામના ખોટા કાગળો રજૂ કર્યા હતા, જેની ચકાસણી કર્યા વગર બેન્કના બ્રાન્ચ મેનેજરે સપ્લાયરોના બદલે સિદ્ધાર્થ ઈન્ડસ્ટ્રીઝના ખાતામાં જ આ રકમ ટ્રાન્સફર કરી દઈ કૌભાંડ આચર્યું હતું. આમ જુદા જુદા તબક્કે બેન્કમાંથી રૂા.૧ કરોડ જેટલી માતબર રકમ લૉન તરીકે મેળવ્યા બાદ તા.૧-૫-૨૦૧૬થી આજદિન સુધીનું વ્યાજ નહીં ભરતાં આ રકમ રૂા.ર કરોડની થવા જાય છે અને આખા કૌભાંડમાં કુલ ૬ આરોપીઓની સંડોવણી બહાર આવતાનં એમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેના પગલે આજે વડોદરા આવેલી સીઆઈડી ક્રાઈમની ટીમે અગાઉ બેન્ક ઓફ બરોડા દુણિયા શાખાના મેનેજર અને હાલ સયાજીગંજ સર્વિસ બ્રાન્ચ પાયલ કોમ્પલેકસ ખાતે ફરજ બજાવતા હુકુમચંદ ભગવાનદાસ મલાઈયાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેર-જિલ્લામાં પણ થયેલા કૌભાંડના કસૂરવારોને ઝડપશે

બેન્ક ઓફ બરોડામાં લૉન આપવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલતું આવ્યું હતું ત્યારે અનેક મામલામાં કાર્યવાહી કરવા માટે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને આખી યાદી અને જરૂરી દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા હતા, જે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં આવા બીજા ફ્રોડ અંગે કાર્યવાહી થશે એવી જાણકારી બહાર આવતાં બેન્કો સાથે છેતરપિંડી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. પંચમહાલથી શરૂઆત થઈ છે ત્યારે સીઆઈડી ક્રાઈમ હવે વડોદરા શહેર-જિલ્લામાં પણ થયેલા કૌભાંડના કસૂરવારોને ઝડપશે.

લૉન કૌભાંડ આચરનાર આરો૫ીઓ

• બેન્ક ઓફ બરોડા દુણિયા, બ્રાન્ચ હાલોલના તત્કાલીન બ્રાન્ચ મેનેજર હુકુમચંદ ભગવાનદાસ મલાઈયા

• મે. સિદ્ધાર્થ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર શંકરભાઈ અનોપસિંહ પરમાર

• લક્ષ્મણસિંહ અમરસિંહ સોલંકી (જેલમાં)

• જામીનદાર રણજિતસિંહ છત્રસિંહ પરમાર (ફરાર)

• લૉન કન્સલ્ટન્ટ મહેશભાઈ પુંજાભાઈ શાહ (દલાલ) (હૃદયરોગની બીમારીથી જામીન પર બહાર) અને

• બેન્કના પેનલ વેલ્યુર અતુલકુમાર વિનોદભાઈ શાહ (ફરાર) (પેનલ વેલ્યુઅર)