વડોદરા, તા.૧૦

શહેરના સમા વિસ્તારની નવીનગરીમાં બૂટલેગરને ત્યાં બાતમીના આધારે રેડ પાડવા આવેલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના આબરૂના ધજાગરા ઉડાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બૂટલેગરના પરિવારજનોએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના અધિકારી, કર્મચારીઓ અને પંચો પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો અને પોલીસના વાહનની તોડફોડ કરી એક કર્મચારીને ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, જપ્ત કરવામાં આવેલ દોઢ પેટી દારૂનો જથ્થો લૂંટીને પરત હુમલાખોરો લઈ ગયા હતા.

 સમા ગામ નવીનગરીમાં લાલા ડામોર નામનો બૂટલેગર રહે છે અને દારૂનો વ્યવસાય કરે છે, જે અંગેની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી, જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઘટનાસ્થળે પહોંચી લાલા ડામોર નામના બૂટલેગરને ત્યાં છાપો માર્યો હતો. જ્યાં મોનિટરિંગ સેલની ટીમને દોઢ પેઢી જેટલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને બૂટલેગર લાલા ડામોરને ઝડપી પાડીને વધુ મુદ્‌ામાલ ક્યાં રાખ્યો છે તેવી પૂછપરછ સાથે માર મારવામાં આવ્યો હતો, જેથી તેને બૂમાબૂમ કરતાં ઘરમાં હાજર પત્ની અને અન્ય મહિલાઓ દોડી આવી હતી. આ મહિલાઓ સાથે નવીનગરીના અન્ય રહીશો પણ દોડી આવ્યા હતા અને ભેગા મળી ટોળાએ મોનિટરિંગ સેલની ટીમ ઉપર પથ્થરમારો કરી વાહનની તોડફોડ કરી હતી. જેમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો.